પ્રોફેટ મુહમ્મદ અને તેમની પુત્રી ફાતિમાનું ચિત્રણ કરવા બદલ ઈશનિંદાનો આરોપ ધરાવતી ફિલ્મ ‘ધ લેડી ઓફ હેવન’ ફિલ્મનો વિરોધ કરતા દેખાવો થતા બ્રેડફર્ડ, બોલ્ટન, બર્મિંગહામ અને શેફિલ્ડમાં સિનેવર્લ્ડના તમામ સિનેમા હોલ પરથી ફિલ્મને દૂર કરવામાં આવી છે. તો બીજી તરફ ફિલ્મના નિર્માતાઓએ વિરોધ કરનાર લોકો પર ફટકાર લગાવી તેઓ ‘ઝેરી રેટરિક, બુલીઇંગ યુક્તિઓ અજમાવતા હોવાનો અને દુષ્પ્રચાર’ કરતા હોવાનો આરોપ મૂક્યો છે. આ ફિલ્મમાં મુસ્લિમોના પયગમ્બર મુહમ્મદ અને તેમની પુત્રી ફાતિમાનું ચિત્રણ કરવામાં આવ્યું છે.
એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર મલિક શિલ્બાકે મુસ્લિમ મીડિયા પ્લેટફોર્મ 5 પિલર્સના એડિટર રોશન સાલિહ સાથેની ઉગ્ર ચર્ચામાં તેમના ટીકાકારોને ‘વાદળોમાંથી તેમના માથા બહાર કાઢવા’ કહ્યું હતું.
શિલ્બાકે કહ્યું હતું કે “ઈસ્લામ એ વિશ્વભરમાં વિવિધ અર્થઘટન સાથેનો ખૂબ જ જટિલ ધર્મ છે. લાખો મુસ્લિમો ફિલ્મમાં જે છે તેની સાથે સહમત છે અને તેના પર વિશ્વાસ કરે છે.’’
આક્રોશને પગલે આ ફિલ્મને ખેંચવાની ફરજ પડી હતી જે બીજી સિલ્વર સ્ક્રીન ચેઇન બની હતી. યુકેમાં શુક્રવારે 5 જૂનના રોજ £12 મિલિયનની મૂવી રિલીઝ કરવામાં આવી હતી. ઇસ્ટ લંડનના સ્ટ્રેટફર્ડના વેસ્ટફિલ્ડની વ્યુ સિનેમામાં ફિલ્મ દર્શાવાતી હોવાની માહિતીને આધારે 8 જૂનની રાત્રે મુસ્લિમો બહાર એકત્ર થયા હતા અને પ્લેકાર્ડ બતાવી સુત્રોચ્ચારો કરી ફિલ્મ બંધ કરાવવા અને બ્રાન્ચ મેનેજર સાથે મીટિંગની માંગણી કરી હતી. સિનેવર્લ્ડ સહિત અન્ય મુખ્ય પ્રવાહની સિનેમા ચેઇને ફિલ્મના સ્ક્રીનિંગને સંપૂર્ણપણે દૂર કર્યા છે. ફિલ્મને દૂર કરવા Change.org પર કરાયેલી પિટિશનને 126,000થી વધુ સહીઓ મળી છે.
ઇસ્લામની મોટાભાગની સંસ્થાઓ પયગંબરના કોઈપણ નિરૂપણને પ્રતિબંધિત કરે છે. કારણ કે તેઓ માને છે કે તે ધર્મની ભાવનાની વિરુદ્ધ છે, મૂર્તિઓની પૂજાને પ્રોત્સાહિત કરે છે. આ ફિલ્મ પર ઇસ્લામમાં અલગ-અલગ સંપ્રદાયો વચ્ચે નફરત ભડકાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
શિયાઓ દ્વારા બનાવાયેલ ફિલ્મને શિયા બહુમતી ધરાવતા ઈરાનમાં પણ પ્રતિબંધિત કરાઇ હતી અને તેનો હેતુ મુસ્લિમોને વિભાજીત કરવાનો છે.
જે રીતે ફિલ્મમાં ઇસ્લામની કેટલીક પવિત્ર વ્યક્તિઓ, પયગમ્બરની ત્રીજી પત્ની આઇશા અને તેના બે નજીકના સાથીઓનો સમાવેશ થાય છે. પ્રથમ બે ખલીફા અબુ બકર અને ઓમરને સુન્નીઓ પવિત્ર વ્યક્તિઓ તરીકે જાણે છે, પરંતુ ફિલ્મમાં તેમને કપટી અને અપ્રમાણિક દર્શાવાયા છે.
લંડન સ્થિત કુવૈતી શિયા વિદ્વાન, ફિલ્મના લેખક શેખ યાસર અલ-હબીબન મુસ્લિમ વિશ્વમાં વિવાદાસ્પદ વ્યક્તિ છે. તેમણે મુહમ્મદ પયગંબરની ત્રીજી પત્ની આઈશાને ‘ઈશ્વરની દુશ્મન’ કહીને સુન્ની મુસ્લિમોને ગુસ્સે કર્યા હતા.
વિરોધીઓએ ફિલ્મ નિર્માતાઓ પર ધાર્મિક ઈતિહાસને અચોક્કસ રીતે દર્શાવવાનો અને ઈસ્લામની ત્રણ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓને નકારાત્મક રીતે દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. આ ફિલ્મમાં ભૂતપૂર્વ કોરોનેશન સ્ટ્રીટ અભિનેતા રે ફેરોન છે. ફિલ્મમાં નકારાત્મક પાત્રો શ્વેતને બદલે શ્યામ કલાકારો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.
છેલ્લે ધાર્મિક શિક્ષણના વર્ગ દરમિયાન વેસ્ટ યોર્કશાયરની બાટલી ગ્રામર સ્કૂલમાં વિદ્યાર્થીઓને બતાવેલા પ્રોફેટ મોહમ્મદના કાર્ટૂન અંગેના વિરોધને પગલે એક શિક્ષકને યુકેમાં છુપાવાની ફરજ પડી હતી. તો ફ્રેન્ચ વ્યંગાત્મક મેગેઝિન ચાર્લી હેબ્દો પર જાન્યુઆરી 2015માં ઇસ્લામવાદી કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. તે તોફાનોમાં 12 લોકો માર્યા ગયા હતા. ફ્રેન્ચ શિક્ષક સેમ્યુઅલ પેટીએ 2020માં ભણાવતી વખતે વિદ્યાર્થીઓને પ્રોફેટનું કાર્ટૂન બતાવતા કોલેજના દરવાજા પર જ તેમનો શિરચ્છેદ કરાયો હતો.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ અને સોશ્યલ કોહેશન અને રીસીલીયન્સના સલાહકાર ડેમ સારા ખાન સહિત અગ્રણી સરકારી વ્યક્તિઓએ સ્ક્રીનિંગ રદ કરવા સામે ચેતવણી આપી છે. જાવિદે ચેતવણી આપી છે કે ફિલ્મ રદ કરવી તે “અતિશય જોખમી માર્ગ” હશે અને વાણી સ્વાતંત્ર્ય પર સેન્સર કરવા બરોબર હશે.