Lakshmi Narayan Temple vandalized by Khalistanis in Brisbane, Australia

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ફરીથી ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે. આ અગાઉ મેલબર્ન, સિડની અને બ્રિસ્બેનમાં પણ હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બ્રિસ્બેનના શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે ફરીથી તોડફોડ કરી છે અને ભારત વિરોધી નારા લખ્યા છે. મંદિરની દિવાલો પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લક્ષ્યાંક બનાવીને વાંધાજનક સૂત્રો લખ્યા છે.

અગાઉ જાન્યુઆરીમાં મેલબર્નમાં 15 દિવસની અંદર 3 હિન્દૂ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ પછી ત્યાંના ભારતીયોમાં નારાજગી વ્યાપી હતી. ત્યારે પણ તોડફોડ સાથે ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હતા. બ્રિસ્બેનની ઘટના શનિવારે સવારે બની હતી. જ્યારે ભક્તો સવારે પૂજા કરવા આવ્યા હતા ત્યારે તેમને ઘટના અંગે જાણ થઇ હતી. આ ઘટના પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ હોવાની માહિતી મળી છે. બે મહિનામાં આ ચોથી ઘટના છે.

મંદિરના પ્રેસિડેન્ટ સતીન્દર શુક્લાએ જણાવ્યું હતું કે, મંદિરના પૂજારી અને ભક્તોએ આજે ​​સવારે ફોન કરીને મને અમારા મંદિરની દિવાલો પર તોડફોડની જાણ કરી હતી. મંદિરના સંચાલકો પોલીસને વિગતવાર નિવેદન આપશે. અગાઉ બ્રિસ્બેનના અન્ય એક હિન્દુ મંદિરને પાકિસ્તાનસ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં હિન્દુઓની કુલ વસ્તી અંદાજે 6.84 લાખ છે. હિન્દુ અહીંનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. તે ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના 2.7 ટકા છે. આ આંકડા 2021ની વસ્તી ગણતરી મુજબના છે. ત્યાં વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન પછી ભારતીયો બીજા ક્રમે છે.

LEAVE A REPLY

4 − 1 =