બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવને અંતે સાડા ત્રણ વર્ષ પછી જામીન મળ્યા છે. ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને દુમકા ટ્રેઝરીમાંથી રૂ. 3.13 કરોડ ઉપાડવાના કેસમાં જામીન આપતા તેઓ હવે જેલમાંથી મુક્ત થશે. અત્યારે તેઓ બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાં જેલ સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં તેમને અગાઉથી જામીન મળ્યા છે.
ચાઈબાસા અને દેવધર ટ્રેઝરી કેસમાં લાલુ યાદવને અગાઉથી જામીન મળેલા છે. દોરાંડા ટ્રેઝરી કેસ મામલે અત્યારે ટ્રાયલ ચાલુ છે. હવે લાલુ યાદવ માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લાલુ યાદવને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. તેઓ અડધી સજા પૂરી કરી ચુક્યા છે અને ત્યાર બાદ તેમને જામીન આપવામાં આવ્યા છે.
હાઇકોર્ટ જસ્ટિસ અપ્રેશ સિંહે કેસની સુનાવણીમાં જણાવ્યું કે, લાલુ યાદવ 42 મહિના અને 11 દિવસ જેલમાં રહ્યા છે. આ અડધી સજા કરતા વધારે સમય છે. તેઓ 1-1 લાખના 2 સિક્યોરિટી બોન્ડ તથા આઈપીસી અને પીસી એક્ટ અંતર્ગત 5-5 લાખનો દંડ ભર્યા બાદ જેલમાંથી બહાર આવી શકશે.
લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપે ટ્વીટર પર જણાવ્યું હતું કે, ‘ગરીબો, વંચિતો, પછાતોના નેતા આવી રહ્યા છે. અન્યાય કરનારાઓને કહી દો અમારા નેતા આવી રહ્યા છે.’