(@NarendraModi via PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુધવાર, 17 સપ્ટેમ્બરે તેમના 75માં જન્મદિવસે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રેસિડન્ટ પુતિન, વ્લાદિમીર પુતિન, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની,ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ, યુકેના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે  સહિતના વૈશ્વિક નેતાઓ શુભેચ્છા પાઠવી હતી.

ટેરિફ વોર મુદ્દે ભારત અને અમેરિકામાં ચાલી રહેલાં વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 75માં જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન ટ્રમ્પે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવા બદલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત-અમેરિકાની મજબૂત અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા તેઓ પ્રતિબદ્ધ છે. એક્સ પરની એક પોસ્ટમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જન્મદિનની શુભકામનાઓ બદલ મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો આભાર. યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના તમારા પ્રયાસોને અમારો સંપૂર્ણ ટેકો છે.

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને પીએમ મોદીના નેતૃત્વ અને વિઝનની પ્રશંસા કરી હતી.સોશિયલ મીડિયા પોસ્ટમાં મેલાનીએ જણાવ્યું હતું કે તેમની શક્તિ, તેમનો દૃઢ નિશ્ચય અને લાખો લોકોનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પ્રેરણાનો સ્ત્રોત છે. મિત્રતા અને સન્માન સાથે, હું તેમને ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવા અને આપણા રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આરોગ્ય અને ઊર્જાની શુભેચ્છા પાઠવું છું.

પુતિને મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવામાં તેમના “મહાન વ્યક્તિગત યોગદાન”ની પ્રશંસા કરી હતી. મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રોમાં પ્રભાવશાળી સિદ્ધિઓ હાંસલ કરી છે.

ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ બુધવારે મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને તેમને “સારા મિત્ર” ગણાવ્યા હતાં. ભારતીય મૂળના ભૂતપૂર્વ યુકે વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે “આ અનિશ્ચિત સમયમાં, આપણે બધાને સારા મિત્રોની જરૂર છે, અને મોદીજી હંમેશા મારા અને બ્રિટનના સારા મિત્ર રહ્યા છે. યુકે-ભારત સંબંધો વધુ મજબૂત બનતા જોઈને મને આનંદ થાય છે.

મોદીને શુભેચ્છા પાઠવતા, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું કે તેમનો દેશ “ભારત સાથે આટલી મજબૂત મિત્રતા શેર કરવા બદલ ગર્વ અનુભવે છે, અને અમે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના યોગદાન માટે દરરોજ આભારી છીએ.”

શ્રીલંકાના પ્રેસિડન્ટ અનુરા કુમારા દિસાનાયકે પણ મોદીને શુભેચ્છા પાઠવીને ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તર વધારવા, શ્રીલંકા સાથે ગાઢ સંબંધો વિકસાવવા અને પડકારજનક સમયમાં દેશને ટેકો આપવા તેમના નેતૃત્વની પ્રશંસા કરી હતી. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે વડા પ્રધાનને “સારા સ્વાસ્થ્ય અને સતત શક્તિ” ની શુભેચ્છા પાઠવી હતી.

ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન, મ્યાનમારના પ્રેસિડન્ટ મીન આંગ હ્લેઇંગ, ગુયાનાના પ્રમુખ ઇરફાન અલી અને ડોમિનિકાના પ્રધાનમંત્રી રૂઝવેલ્ટ સ્કેરિટ સહિત અન્ય નેતાઓએ પણ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY