Leicester Riots Barnie
  • બાર્ની ચૌધરી
  • એક્સક્લુઝીવ

લેસ્ટરમાં વસતા હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નીકળ્યા બાદ એશિયન નેતાઓ, સાંસદો, ધાર્મિક અને નાગરિક નેતાઓ હિંદુ અને મુસ્લિમોને સાથે ઊભા રહેવા વિનંતી કરી હિંસા અને ખોટી માહિતી ફેલાવવાની નિંદા કરી છે. તેઓ પોલીસને ધાર્મિક તણાવને વધતો રોકવા માટે દક્ષિણ એશિયાઈ સમુદાયો સાથે વાતચીત કરવા અને વધુ સારી રીતે જોડાવા માટે પણ આહ્વાન કરી રહ્યા છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં, લેસ્ટરમાં સાંપ્રદાયિક હિંસાના જે એપિસોડ જોવા મળ્યા છે તે દક્ષિણ એશિયન ઉપખંડની બહાર ભાગ્યે જ જોવા મળ્યા છે.

બર્મિંગહામ એજબેસ્ટનના લેબર સાંસદ પ્રીત કૌર ગીલે કહ્યું હતું કે “અમે યુકેની શેરીઓમાં આ પ્રકારનો સાંપ્રદાયિક તણાવ જોયો નથી તેથી હું ખરેખર ખૂબ જ ચિંતિત હતી. ભારતથી આવનારા વક્તા અંગે લોકો મુદ્દો ઉઠાવતા હતા તે કાર્યક્રમ રદ કરાઇ ચૂક્યો છે તેની પહેલા પુષ્ટિ કરાઇ હોત કે પોલીસે મંદિર સાથે વાત કરીને તે માહિતી શેર કરી હોત તો સ્મેથવિક વિરોધને થોડો અલગ રીતે હેન્ડલ કરી શકાયો હોત. લોકોએ ખાતરી કરવી જોઇએ કે તેમની પાસે સાચી માહિતી છે.’’

સંસદસભ્યો ચિંતિત છે કે સોશિયલ મીડિયા પરની નકલી પોસ્ટ યુકેમાં અન્યત્ર સંભવિત હિંસામાં ફેલાવવા માટે ધાર્મિક અને વંશીય દ્વેષને ઉશ્કેરે છે.

વિકેન્ડમાં અફવા ફેલાઈ હતી કે મુસ્લિમો રવિવારે [25 સપ્ટેમ્બર] વિરોધ પ્રદર્શનો માટે લંડનમાં હિન્દુ મંદિરને નિશાન બનાવી રહ્યા છે. લંડનના બ્રેન્ટ નોર્થના લેબર સાંસદ બેરી ગાર્ડિનરે તુરંત જ આગળ આવીને મામલો થાળે પાડવા પગલાં લીધા હતા.

લેસ્ટરના બેરોનેસ સેન્ડી વર્માએ કહ્યું હતું કે “અહીં કોઈ પણ જમણેરી હિંદુ જૂથો હોવાના કે આત્યંતિક મુસ્લિમોના કોઈ પુરાવા જોયા નથી. પરંતુ મેં જે જોયું છે તે એવા લોકો છે જે શહેરના નથી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તણાવ ફેલાવે છે, અને તે ખોટું છે. હું કોઈપણ પ્રકારના ઉગ્રવાદની નિંદા કરું છું અને અમે આ દેશમાં કોઈ ઉગ્રવાદીઓ ઈચ્છતા નથી.

આ દેશ દરેક માટે સહિષ્ણુ છે.”

લેસ્ટરશાયર એશિયન બિઝનેસ એસોસિએશનના પૂર્વ પ્રમુખ, જાફર કપાસીએ જણાવ્યું હતું કે ‘’શહેરમાં ધર્માંધતાને કોઈ સ્થાન નથી. લેસ્ટરના નાગરિકો સતત સુમેળમાં રહે છે, અને અમે આ બહુસાંસ્કૃતિક શહેરને જાળવીએ છીએ. આ અમારા બાળકો, પૌત્ર-પૌત્રીઓના લાભ માટે છે જેઓ અહિં રહીને પ્રગતિ કરનાર છે. મારી ફરી અપીલ, એ સુનિશ્ચિત કરવાની છે કે લેસ્ટરમાં હંમેશા શાંતિ અને સંવાદિતા રહે છે.”

લંડનમાં નેતાઓ પણ સાંપ્રદાયિક તણાવ અને ત્યારપછીની હિંસા વિશે ચિંતિત છે.

લંડનના મેયર સાદિક ખાને પણ ટ્વીટ કરી નાની લઘુમતી દ્વારા સમુદાયો વચ્ચે ફાચર મારવાના કોઈપણ પ્રયાસોનો પ્રતિકાર કરવા અપીલ કરી હતી.”

લંડન એસેમ્બલીના પૂર્વ અધ્યક્ષ નવીન શાહે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને પત્ર લખીને વિનંતી કરી છે કે “તત્કાલ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ સ્થાપવા માટે તમે જે કરી શકો તે બધું જ કરો અને સાંપ્રદાયિક અથડામણોને રોકવા અને સમુદાયમાં એકતા લાવવા માટે પૂરતા સંસાધનો પ્રદાન કરો.”

શ્રી શાહે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “હું જે વ્યક્તિઓ અને સંસ્થાઓને ઓળખું છું તેઓ ફેલાઈ રહેલી મુશ્કેલીઓ વિશે વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા વધારે અસલામતી પેદા કરે છે. વિરોધાભાસી અહેવાલો મળે છે અને અફવાઓ ફેલાય છે અને તે જોખમી છે. અમે આ દેશમાં એવું નથી ઈચ્છતા. યુકે એકતાની દીવાદાંડી હોવાનો મને ખૂબ ગર્વ છે.”

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે પોતાની વેબસાઇટ દ્વારા લોકોને આશ્વાસન આપી સાચી માહિતી મેળવવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી અને અફવાઓથી સાવચેત રહેવા માટે અપીલ કરી હતી.

2019માં, તત્કાલિન વડા પ્રધાન, બોરિસ જૉન્સને, 20,000 નવા પોલીસ અધિકારીઓની ભરતીને અધિકૃત કરી હતી. પરંતુ હોમ ઓફિસના આંકડાઓ અનુસાર, 2010 અને 2018 દરમિયાન પોલીસ દળે 21,700થી વધુનો સ્ટાફ ગુમાવ્યો હતો.

સાંસદ પ્રીત કૌર ગિલે જણાવ્યું હતું કે, “અમે આ સરકાર દ્વારા નેઇબરહૂડ પોલીસિંગનો નાશ થતો જોયો છે. અમે વેસ્ટ મિડલેન્ડ્સમાં 2200 અધિકારીઓને ગુમાવ્યા છે જેની સામે ફક્ત 1000ની જ ભરતી થઇ છે. બીજી તરફ જોયું છે કે વ્યક્તિના ધર્મના આધારે ધિક્કાર કરવાના અપરાધ વધતા જાય છે. સરકારે પૂરતું કામ કર્યું નથી અને પોલીસ પાસે મોનિટર કરવા અને ઘણું બધું કરવા માટેના સંસાધનો નથી. હું દરેક ધાર્મિક સ્થળને થર્ડ પાર્ટી રિપોર્ટિંગ સેન્ટર બનતું જોવા માંગુ છું.’’

‘ગરવી ગુજરાત’ને આપેલા નિવેદનમાં, વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમને અમારા વિવિધ સમુદાયોમાંના તમામ ધાર્મિક જૂથો સાથે સકારાત્મક સંબંધો હોવાનો અમને ગર્વ છે. અમે ધાર્મિક નેતાઓ સાથે નિયમિત બેઠકો કરીએ છીએ અને મંદિરો, મસ્જિદો, ચર્ચો અને અન્ય ધાર્મિક સંસ્થાઓમાં હાજરી આપીએ છીએ અને મુદ્દાઓ પર ચર્ચા કરવા અને તેને ઉકેલવા માટે ભાગીદારી માટે નજર કરીએ છીએ. અમારા મજબૂત સંબંધોનો લાભ ગયા અઠવાડિયે જોવા મળ્યો હતો. અમે તરત જ સાચી માહિતી શેર કરી સોશિયલ મીડિયા પર દેખાતી ખોટી માહિતીને દૂર કરી મદદ કરી શક્યા હતા.”

લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે બહારના લોકો આ ખલેલને વેગ આપી રહ્યા છે. મારો સંદેશ એ છે કે શહેરમાં અમારા અવિશ્વસનીય સારા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને લોકોને અન્યત્ર, ખાસ કરીને ભારતીય ઉપખંડમાંથી, અમને વિભાજિત કરવા માંગતા હોય તેવા મુદ્દાઓ લાવવાની મંજૂરી આપવી નહિં.”

લેસ્ટરના ઇનચાર્જ ચીફ કોન્સ્ટેબલ, રોબ નિક્સને જણાવ્યું હતું કે, ‘’50 લોકોની એક ટીમ ચોવીસેય કલાક કામ કરી રહી છે, માહિતી એકઠી કરી અને તપાસ કરી રહી છે. થોડો સમય લાગશે પણ જવાબદારોને તેમના ગુનાઓ માટે સજા થયા તેની ખાતરી કરવા માટે તે સંપૂર્ણ રીતે કરવામાં આવે તે આવશ્યક છે.”

LEAVE A REPLY

18 + 18 =