અદાણી ગ્રુપને ઉગારી લેવા માટે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)એ મે 2025માં રૂ.33,000 કરોડનું રોકાણ કર્યું હોવાનો વોશિંગ્ટન પોસ્ટે તેના અહેવાલમાં દાવો કર્યો હતો. અમેરિકાના દૈનિકના દાવા પછી કોંગ્રેસે જાહેર હિસાબ સમિતિ દ્વારા આ જાહેર ક્ષેત્રની કંપનીની તપાસ કરવાની માગણી કરી હતી. જોકે LICએ આ અહેવાલને ખોટા, પાયાવિહોણા અને સત્યથી દૂર ગણાવીને નકારી કાઢ્યાં હતાં.
કોંગ્રેસના મહાસચિવ અને સંદેશાવ્યવહારના પ્રભારી જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે LICના 30 કરોડ પોલિસીધારકોની બચતનો દુરુપયોગ કરી અદાણી જૂથને ફાયદો કરાવવામાં આવ્યો હતો. ‘મોદાણી સંયુક્ત સાહસે’ LIC અને તેના 30 કરોડ પોલિસીધારકોની બચતનો કેવી રીતે દુરુપયોગ કર્યો હતો તે અંગે મીડિયામાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ પછી વિપક્ષે આ પ્રહાર કર્યા હતાં. આ અખબારે આંતરિક દસ્તાવેજો ટાંકીને તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે ભારતીય અધિકારીઓએ મે 2025માં અદાણી ગ્રુપની વિવિધ કંપનીઓમાં એલઆઇસીના આશરે રૂ.33,000 કરોડના ભંડોળના રોકાણ માટે એક દરખાસ્ત તૈયાર કરી હતી અને તેને આગળ ધપાવી હતી.
અગાઉ યુએસ શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ રિસર્ચના આક્ષેપોમાં મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ અદાણી ગ્રુપને ક્લિનચીટ આપી હતી. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ સેબીએ તપાસ ચાલુ કરી હતી.
આ મુદ્દા પર સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પહેલના વાસ્તવિક લાભાર્થીઓ ભારતના સામાન્ય લોકો નહીં, પરંતુ મોદીના શ્રેષ્ઠ મિત્રો છે. એલઆઇસીએ મે 2025માં અદાણી ગ્રુપની કંપનીઓમાં રૂ.33,000 કરોડનું રોકાણ શા માટે કર્યું હતું તેનો મોદી સરકારે જવાબ આપવો જોઇએ.












