જયપુરમાં 11 જુલાઈ 2021ના રોજ વીજળી પડી હતી. . (PTI Photo)

ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વીજળી પડવાથી રવિવારે કુલ 60થી વધારે લોકોનાં મોત થયાં હતા. રાજસ્થાનના જયપુરમાં આમેરની ટેકરીઓ પર ફરવા ગયેલા લોકો પર વીજળી પડતા 12નાં મોત થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ લોકો આમેરના કિલ્લાના વોચ ટાવર પર સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે વીજળી પડી હતી. મધ્યપ્રદેશમાં વીજળી પડવાને કારણે 7થી વધારે લોકોનાં મોત થયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજળી પડવાને કારણે થયેલા મોત અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી અને મૃતકોના નજીકના પરિવારજનો માટે રૂ.2 લાખની સહાય જાહેર કરી હતી.

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને 11 જિલ્લામાં વીજળી પડવાને કારણે અંદાજે 44 લોકોનાં મોત થયાં હતા, જ્યારે 47 લોકો ઘાયલ હતા. કાનપુરની આસપાસના જિલ્લામાં 18, પ્રયાગરાજમાં 14, કૌશામ્બીમાં 4, ફિરોઝાબાદ અને ફતેહપુરમાં 3-3, ઉન્નાવ, સોનભદ્ર અને હમીરપુરમાં 2-2, પ્રતાપગાઢ, કાનપુર નગર, મિર્ઝાપુર અને હરદોઈમાં 1-1 લોકોનાં મોત થયાં હતા.ઘણી જગ્યાએ વીજળી પડવાને કારણે જાનવરોનાં પણ મોત થયાં હતા.

રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં સાત બાળકો સહિત 20 લોકોનાં મોત થયાં હતા, જ્યારે 21 લોકો ઘાયલ થયા હતા. જયપુરમાં જ આમેર કિલ્લાના વોચ ટાવર પર વીજળી પડવાને કારણે 12 લોકોનાં મોત થયાં હતા, જ્યારે કોટા જિલ્લામાં ચાર બાળકો અને ધૌલપુર જિલ્લામાં 3 બાળકોનાં મોત થયાં હતા.