યુકેના વડાપ્રધાન પદની રેસમાં ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે તેમના હરીફ અને ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનક પર તા. 14ને રવિવારે થયેલા ટોરી સભ્યોના નવા સર્વે મુજબ 22 પોઈન્ટની કમાન્ડિંગ લીડ જાળવી રાખી છે. 570 કન્ઝર્વેટિવ સભ્યોના ‘ધ ઓબ્ઝર્વર’ અખબારના ઓપિનિયમ પોલમાં, ટ્રસને 61 ટકા અને સુનકને 39 ટકા મત મળ્યા હતા. યુગોવના તાજેતરના કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના મતદાનમાં ટ્રસે, સુનક પર 24-પોઇન્ટની લીડ મેળવી હતી.

ઓપિનિયમના ક્રિસ કર્ટિસે જણાવ્યું હતું કે, “સ્પષ્ટ છે કે ટ્રસને બધી ગતિ મળી છે. ઘણા સભ્યોએ પહેલાથી જ તેમના મતપત્રો પરત કરી દીધા હોવાથી, હવે ટ્રસ સપ્ટેમ્બરમાં વડા પ્રધાન ન બને તેવી શક્યતા ઓછી છે. સુનકની સૌથી મોટી સમસ્યા વિશ્વાસ છે. કેટલાક સભ્યો તેમની આર્થિક દલીલોનો આદર કરે છે. ખાસ કરીને જૉન્સનને કાઢવા માટે હાકલ કર્યા પછી તેઓ ટોચના પદ માટે પૂરતા પ્રમાણિક અથવા વિશ્વાસપાત્ર નથી.”

જૉન્સન અને ટ્રસ વચ્ચે પસંદગી કરવાનું કહેતા ટોરી સભ્યોના લગભગ 63 ટકા લોકોએ જૉન્સનના અને 22 ટકાએ ટ્રસની પસંદગી કરી હતી. જ્યારે સુનક સામે 68 ટકા લોકોએ જૉન્સનને અને 19 ટકા લોકોએ સુનકને પસંદ કર્યા હતા. મતદાનમાં જણાયું હતું ટોરી મતદારોમાંથી 10માંથી લગભગ ત્રણ (29 ટકા) પહેલાથી જ મતદાન કરી ચૂક્યા છે. લગભગ 19 ટકા લોકોએ કહ્યું કે તેમણે કોને મત આપવો તે નક્કી કર્યું નથી. જેને પગલે સુનક માટે આશાઓ બંધાઇ છે.

ફોરેન સેક્રેટરીનો જૂના કન્ઝર્વેટિવ સભ્યોનો મજબૂત ટેકો છે, જ્યારે સુનકનો યુવાન લોકોનો ઘણો ટેકો છે. 22 ટકા લોકો માને છે સુનક અર્થતંત્ર સારી રીતે મેનેજ કરશે જ્યારે 10 ટકા લોકો તેમને સૌથી સક્ષમ અથવા બુદ્ધિશાળી માને છે.

ટ્રસને સમર્થન આપનારા 14 ટકા લોકોને સુનક પ્રત્યે અણગમો હતો. લગભગ 2 ટકા સભ્યોએ સુનકને નહીં પણ ટ્રસને સમર્થન આપવા માટે જાતિ અથવા વંશીયતાને કારણ આપ્યું હતું. બુકીઓ જીત માટે સુનકને 12 ટકા અને ટ્રસને 88 ટકા મત આપે છે.

ટ્રસ કહે છે કે તેઓ “યુનિયન મિનિસ્ટર તરીકેની ભૂમિકા નિભાવશે. સુનકે 2045 સુધીમાં યુકેને “ઊર્જા માટે સ્વતંત્ર” બનાવવા માટે કાયદો લાવવાનું વચન આપ્યું હતું.