
પેલેસ્ટાઇન એક્શનને આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધિત કરવા સામે વિરોધ કરતા લોકોએ લંડનમાં વિકેન્ડમાં યોજેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે 890થી વધુ લોકોની ધરપકડ કરી હતી. બીજી તરફ મેટ્રોપોલિટન પોલીસે અધિકારીઓને સહન કરવા પડેલા “અસહ્ય” દુર્વ્યવહારની નિંદા કરી છે.
આતંકવાદ અધિનિયમ 2000 હેઠળ જુલાઈમાં રજૂ કરાયેલા પેલેસ્ટાઇન એકશન જૂથ પર સરકારના પ્રતિબંધનો વિરોધ કરતા, “હું નરસંહારનો વિરોધ કરું છું, હું પેલેસ્ટાઇન એક્શનને સમર્થન આપું છું” જેવા પ્લેકાર્ડ સાથે લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં ભીડ એકઠી થઈ હતી. ભૂતપૂર્વ હોમ સક્રટરી હ્વવેટ કૂપરે પેલેસ્ટાઇન એક્શનના સભ્યપદ અથવા સમર્થનને ફોજદારી ગુનો બનાવ્યો હતો, જેમાં 14 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પુષ્ટિ કરી હતી કે આતંકવાદ કાયદા હેઠળ 857 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા અને અન્ય જાહેર વ્યવસ્થાના ગુનાઓની શંકાના આધારે 25થી વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર ક્લેર સ્માર્ટે જણાવ્યું હતું કે દેખાવો દરમિયાન પોલીસ અધિકારીઓને “મુક્કા અને લાતો મારવામાં આવી હતી, તેમના પર થૂંકવામાં આવ્યું હતું અને તેમના પર વસ્તુઓ ફેંકવામાં આવી હતી.”
શનિવારે, રાજધાનીમાં 2,500થી વધુ પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. 20,000 લોકોના પેલેસ્ટાઇન કોએલીએશનની કૂચ બહુ ઓછા બનાવો સાથે પસાર થઈ હતી. પણ પેલેસ્ટાઇન એક્શનના સમર્થનમાં યોજાયેલી ‘ડિફેન્ડ અવર જ્યુરીઝ’ના પ્રદર્શનમાં મોટાભાગના લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જૂથે પોલીસના દાવાઓનો વિરોધ કરી આગ્રહપૂર્વક કહ્યું હતું કે તેમની રેલી “શાંતિપૂર્ણ વિરોધનું ચિત્ર” હતી અને નવા હોમ સેક્રેટરી શબાના મહમૂદને પ્રતિબંધ હટાવવા વિનંતી કરી હતી.
અન્યત્ર, સ્કોટલેન્ડ પોલીસે એડિનબરામાં યોજાયેલી રેલીમાં જોડાયેલા બે જણાની ધરપકડોની પુષ્ટિ કરી હતી.
