ઇમિગ્રેશન કાયદાનો વારંવાર ભંગ કરીને ગેરકાયદેસર કામદારોને નોકરી પર રાખનાર હેરોના સ્ટ્રીટફિલ્ડ રોડ પર આવેલી ભારતીય રેસ્ટોરન્ટ મંબઇ લોકલ રેસ્ટોરન્ટનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. હેરો કાઉન્સિલની પેનલે લાયસન્સના સસ્પેન્શનને અપૂરતું ગણાવીને ફગાવી દીધું હતું અને ચુકાદો આપ્યો હતો કે લાયસન્સ રદ કરવું એ એકમાત્ર વિકલ્પ છે.
ગત 20 ઓગસ્ટના રોજ મળેલી હેરો કાઉન્સિલની લાઇસન્સિંગ પેનલે તારણ કાઢ્યું હતું કે રેસ્ટોરંટે કાયદાનો ભંગ કરવા માટે “વ્યવસ્થિત અભિગમ” દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે તેને ભવિષ્યમાં રેસ્ટોરંટ માલિકની કાયદાનું પાલન કરવાની ક્ષમતામાં “કોઈ વિશ્વાસ નથી”.
હોમ ઓફિસના ઇમિગ્રેશન અધિકારીઓએ નવેમ્બર 2023માં પાડેલા દરોડા દરમિયાન કામ કરવાનો અધિકાર નહિં ધરાવતા છ લોકો મળી આવ્યા હતા. ત્યારબાદ જુલાઈ 2024માં વધુ બે લોકો મળ્યા હતા. આ વર્ષે જુલાઈમાં તપાસ કરવામાં આવતા એક વ્યક્તિ મળી આવ્યો હતો જેની અગાઉ તે જ પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથેનો અન્ય વ્યક્તિ મેનેજરને બોલાવી લાવું છું એમ કહી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
રેસ્ટોરન્ટ ચલાવતી કંપનીને ગયા વર્ષે £120,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેને બાદમાં અપીલ પછી ઘટાડીને £60,000 કરવામાં આવ્યો હતો, અને બીજી દલીલ હજૂ ચાલુ છે. લાઇસન્સ ધારકે રેસ્ટોરંટ દ્વારા કેટલાક નિયમ ભંગની કબૂલાત કરી હતી, પરંતુ દલીલ કરી હતી કે એક કામદારને નોકરી ગુમાવ્યા પછી દયાના કારણે લેવામાં આવ્યો હતો.
