બ્રિટિશ ઉદ્યોગ અને ઇન્ડો-બ્રિટિશ સમુદાય બંનેમાં ઉત્કૃષ્ટ વ્યક્તિ અને ફિલાન્થ્રોપિસ્ટ તરીકેની અમીટ છાપ ધરાવતા લોર્ડ સ્વરાજ પૉલનું ગુરૂવારે લંડનની એક હોસ્પિટલમાં 94 વર્ષની વયે અવસાન થયું હતું. પોતાને “100 ટકા ભારતીય અને 100 ટકા બ્રિટિશ” કહેવા માટે જાણીતા, લોર્ડ પૉલનું જીવન મહત્વાકાંક્ષા, સ્થિતિસ્થાપકતા તથા પરિવાર અને સમુદાય પ્રત્યેની નિષ્ઠાનો પુરાવો હતું. તેમણે 18 ફેબ્રુઆરી 2025ના રોજ લંડનના ઇન્ડિયન જીમખાના ક્લબ ખાતે આયોજિત એક સમારોહમાં ભવ્યતા સાથે તેમનો 94મો જન્મદિવસ ઉજવ્યો હતો. જેમાં વર્ષોથી ખરાબ સ્વાસ્થ્ય હોવા છતાં તેમની ટકાઉ જીવનશક્તિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ઘણીવાર “મેન ઓફ સ્ટીલ” તરીકે ઓળખાવવામાં આવતા, લોર્ડ પૉલે 1968માં યુકેમાં કેપારો સ્ટીલના નામથી સામ્રાજ્ય બનાવ્યું હતું. બાદમાં ઓટોમોટિવ ક્ષેત્રમાં લગભગ 30 પ્લાન્ટ સાથે સમગ્ર ભારતમાં પોતાની કામગીરીનો વિસ્તાર કર્યો હતો અને યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં બુલ મૂઝ ટ્યુબ જૂથની સ્થાપના કરી હતી. બ્રિટનના ભારે ઉત્પાદન ક્ષેત્રમાં ઘટાડો થયો હોવા છતાં, ઉદ્યોગ પ્રત્યેની તેમની નિષ્ઠા ક્યારેય ઓછી થઈ નહતી. પરંતુ તેમનું ઉપનામ “મેન ઓફ સ્ટીલ” તેમના ચારિત્ર્યને પ્રતિબિંબિત કરે છે. રાજકીય રીતે મુશ્કેલ સમયમાં તેઓ ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની પડખે ઉભા રહ્યા હતા અને પોતાની વફાદારી જાળવી રાખી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે “શ્રી સ્વરાજ પૉલ જીના અવસાનથી ખૂબ દુઃખ થયું. યુકેમાં ઉદ્યોગ, ફિલાન્થ્રોજી અને જાહેર સેવામાં તેમનું યોગદાન અને ભારત સાથેના ગાઢ સંબંધો માટે તેમનો અવિશ્વસનીય ટેકો હંમેશા યાદ રહેશે. હું અમારી ઘણી વાતચીતોને પ્રેમથી યાદ કરું છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

પુત્રી અંબિકાને લ્યુકેમિયા હોવાનું નિદાન થયા બાદ તેની તબીબી સારવાર માટેની તીવ્ર જરૂરિયાતને પગલે લોર્ડ પૉલની બ્રિટન યાત્રા 1966માં શરૂ થઈ હતી. ભારતના કડક વિદેશી ચલણ નિયમોનો સામનો કરીને, તેઓ અમલદારશાહી અવરોધોને હળવા કરવા બદલ ઇન્દિરા ગાંધીના આભારી હતા. દુઃખદ રીતે, અંબિકાનું 1968 માં ચાર વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તે પછી શ્રી સ્વરાજ, તેમના પત્ની અરૂણા અને તેમના બાકીના બાળકોએ યુકેમાં રહેવાનું પસંદ કર્યું હતું. તેમના પરિવારમાં જોડિયા પુત્રો, અંબર અને આકાશ, અને એક પુત્રી, અંજલીનો સમાવેશ થાય છે, જેમાં સૌથી નાના પુત્ર અંગદનો જન્મ 1970 માં લંડનમાં થયો હતો.

લોર્ડ પૉલની પરોપકાર પ્રવૃત્તિ સાંસ્કૃતિક સંસ્થાઓ સુધી વિસ્તરેલી હતી, જેમાં અંબિકાની યાદમાં લંડન ઝૂને નાદારીમાંથી બચાવવાનો સમાવેશ થાય છે. તેમને પ્રાણીઓની મુલાકાત લેવાનું ખૂબ ગમતું હતું. તેમણે પરિવાર અને મિત્રો માટે ઝૂમાં તેમણે વાર્ષિક ટી પાર્ટીઓનું આયોજન કર્યું હતું, જે સમુદાય પ્રત્યેના તેમના સતત સમર્પણને પ્રતિબિંબિત કરે છે. બિઝનેસમાં તેમણે 1996માં અંગદને કપારોના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કર્યા હતા. જોકે 2015માં 45 વર્ષની વયે અંગદનું અવસાન થયું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. 2022માં બીજી એક વિનાશક ખોટ આવી હતી જ્યારે લેડી અરૂણા પૉલનું 65 વર્ષના લગ્નજીવન પછી અવસાન થયું હતું. આ દંપતીએ કલકત્તામાં મિલનના એક અઠવાડિયામાં જ લગ્ન કરી લીધા હતા. તે અગાઉ, 1990માં, તેમના નાના ભાઈ સુરેન્દ્ર પૉલની આસામમાં ઉલ્ફા આતંકવાદી જૂથ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

લોર્ડ પૉલને 1996માં વડા પ્રધાન જોન મેજરના શાસનમાં પીઅરેજ મળ્યું હતું. તેઓ વેસ્ટમિન્સ્ટરમાં મેરીલબોનના બેરોન પૉલ અને લેડી અરૂણા લેડી પૉલ બન્યા હતા. તેમ છતાં તેઓ મિત્રો માટે સુલભ અને સરળ રહ્યા હતા. લોર્ડ પૉલે 2002માં લંડન ઝૂમાં એક બેબી હિપ્પોપોટેમસ એન્ક્લોઝરનું નામ રમૂજી રીતે રાખ્યું, અને તેના વિરોધનો સામનો કરતા કહ્યું હતું કે “પિગ્મી હિપ્પો ખૂબ જ દુર્લભ છે.”

પુત્રી અંજલીએ તેમની ભાગીદારી પર પ્રતિબિંબ પાડતા કહ્યું હતું કે “તે નાણાકીય બાબતો અને વ્યવહારિક સ્તરે જીવન ચલાવવા જેવી સ્પષ્ટ બાબતો માટે તેમના પર નિર્ભર હતી. પરંતુ ભાવનાત્મક રીતે, તેઓ કદાચ તેણી પર વધુ નિર્ભર હતા.”

18 ફેબ્રુઆરી 1931ના રોજ પંજાબના જલંધરના એક હિન્દુ પંજાબી પરિવારમાં જન્મેલા સ્વરાજ પૌલને તેમના પિતા, પ્યારે લાલ પૌલ પાસેથી સ્ટીલ ઉત્પાદનનો વારસો વારસામાં મળ્યો હતો. ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીની પરિવારની મુલાકાતના માનમાં તેમનું નામ “સ્વરાજ” રાખવામાં આવ્યું હતું. પોલ 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયા પછી, તેમના મોટા ભાઈઓએ તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં MITમાં અભ્યાસ માટે મોકલ્યા હતા જ્યાં તેમણે મેટલર્જીમાં મહત્વપૂર્ણ કુશળતા મેળવી હતી. તેઓ ભારત પાછા ફર્યા પછી, કલકત્તામાં સ્થાયી થયા હતા અને પછી અંબિકાની બીમારીને કારણે યુકે આવ્યા હતા.

ટ્યુબનું ઉત્પાદન કરતો તેમનો પ્રથમ યુકે સ્ટીલ પ્લાન્ટ કેમ્બ્રિજશાયરના હંટિંગ્ડનમાં સ્થપાયો હતો, ત્યારબાદ વેલ્સમાં એક પ્લાન્ટ શરૂ થયો હતો. સમય જતાં, કેપારોએ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ભારત સહિત અનેક દેશોમાં વિસ્તરણ કર્યું હતું. આયાત અને ઔદ્યોગિક ઘટાડાને કારણે બ્રિટિશ ઉત્પાદનનો સામનો કરી રહેલા પડકારો છતાં, લોર્ડ પૉલ ઉદ્યોગ પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યા હતા. એક મજબૂત ઉત્પાદન આધારની હિમાયત કરીને અને યુકે અને ભારતીય નેતાઓ સાથે તેમણે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા.

લોર્ડ પૉલના પરોપકાર, સખાવત અને નાગરિક યોગદાન નોંધપાત્ર હતા. 1999થી વુલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે, તેમણે ઉદારતાથી શિક્ષણને ટેકો આપ્યો હતો. તેમના નામ પર એક બિઝનેસ સ્કૂલ અને તેમની સ્વર્ગસ્થ પુત્રીના સ્મરણાર્થે અંબિકા પૉલ બિલ્ડીંગનું નામકરણ કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વાઇસ-ચાન્સેલર પ્રોફેસર જ્યોફ લેયરે લોર્ડ પૉલની પ્રશંસા એક અત્યંત સફળ ઉદ્યોગપતિ તરીકે કરતાં કહ્યું હતું કે ‘’તેમણે પોતાની કંપનીને શૂન્યથી બનાવી હતી. તેમની સફળતાની વાર્તા પ્રેરણાદાયક છે અને તેમાંથી અમારા વિદ્યાર્થીઓ હૃદય મેળવી શકે છે.”

તેમણે 2012 લંડન ઓલિમ્પિક બિડ માટેની તૈયારીઓનું નિરીક્ષણ કરવા સહિત, વૈશ્વિક સ્તરે બ્રિટિશ બિઝનેસીસને પ્રોત્સાહન આપવામાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. બ્રિટિશ ભારતીય સમુદાયના એક વરિષ્ઠ વ્યક્તિ, લોર્ડ પૉલે રમણીકલાલ સોલંકીના 2020માં અવસાન પછી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ‘ગરવી ગુજરાત’ સાથે વાત કરતા, તેમણે યાદ કર્યું હતું કે “મને ખબર છે કે 1968માં રમણીકભાઈએ વેમ્બલીમાં તેમના ટેરેસવાળા ઘરમાંથી ‘ગરવી ગુજરાત’ શરૂ કર્યું હતું. અમે લગભગ સમકાલીન હતા… અમે બધા એકબીજાની સંભાળ રાખતા હતા. રમણીકભાઈ એવા લોકોમાંના એક હતા જેમનો અમે આદર કરવાનું શીખ્યા હતા. તેમણે ઉદાહરણ દ્વારા નેતૃત્વ કર્યું હતું. તેમણે જે ભૂમિકા ભજવી હતી તે એ હતી કે કેવી રીતે સારા માણસ બનવું – તેઓ એક સુંદર માણસ હતા. રમણીકભાઈ અને હું વ્યક્તિગત સ્તરે જોડાયેલા હતા. તેઓ એક મહાન પારિવારિક માણસ હતા – તેમની અને અમારી વચ્ચે સમાનતા હતી. તેનાથી ખૂબ જ સ્નેહ અને મિત્રતાને પ્રોત્સાહન મળ્યું હતું.”

આંતરરાષ્ટ્રીય વ્યાપાર સામ્રાજ્ય હોવા છતાં, લોર્ડ પૉલે બકિંગહામશાયરમાં તેમના 250 એકરના રૂરલ એસ્ટેટમાં જીવનને ખૂબ પ્રેમ કર્યો હતો. તેમણે ઇંગ્લિશ ગ્રામ્ય વિસ્તારની શાંતિ અને તેના કોપર બીચ, શાકભાજીના બગીચા અને જંગલોનો આનંદ માણ્યો હતો. તેઓ તેમના જીવન દરમિયાન શાકાહારી રહ્યા હતા અને શાંત કૌટુંબિક મેળાવડાની કદર કરતા હતા.

તેમના પછીના વર્ષોમાં, લોર્ડ પૉલે રમૂજ અને કામ પ્રત્યેના સમર્પણની તીવ્ર ભાવના જાળવી રાખી હતી. 2019માં લેસ્ટરમાં એક કાર્યક્રમમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ‘’તેઓ હજુ પણ કેમ કામ કરે છે?’’, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, “મારી ઉંમરે, હું બીજું શું કરી શકું?” તેમના વારસામાં ફક્ત તેમની વૈશ્વિક વ્યાપાર સિદ્ધિઓ જ નહીં પરંતુ પરોપકાર, શિક્ષણ, સાંસ્કૃતિક સંસ્થાઓ અને ઇન્ડો-બ્રિટિશ સમુદાયમાં તેમના ગહન યોગદાનનો પણ સમાવેશ થાય છે, જે શબ્દના દરેક અર્થમાં “મેન ઓફ સ્ટીલ” તરીકેની તેમની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે.

 

LEAVE A REPLY