વોલિંગ્ટન અને કાર્શાલ્ટન સ્થિત હિન્દુ સ્વયંસેવક સંઘ (યુકે)ની મહાદેવ શાખા ખાતે ફાયર સર્વિસ, એમ્બ્યુલન્સ સર્વિસ અને પોલીસ વિભાગના અધિકારીઓને રાખડીઓ બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ત્રણેય વિભાગના અભૂતપૂર્વ સમર્થન સાથે પ્રસંગ અવિસ્મરણીય બની ગયો હતો.
ત્રણેય સેવાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેતા સમુદાયમાં ઉત્સાહ અને પ્રેરણા નજરે પડ્યા હતા. કાર્યક્રમ હૃદયસ્પર્શી ક્ષણોથી ભરેલો હતો અને ઉપસ્થિત સૌએ ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓના સમર્પણ માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બીજી તરફ ફાયર એન્જિનના હોર્નના અવાજ અને પોલીસ લાઇટોના ઝબકારા જોઈને બાળકોના ચહેરા આનંદથી ચમકી ઉઠ્યા હતા.
ખાસ સંકેત તરીકે, એમ્બ્યુલન્સ સેવાના અધિકારીઓએ શાખાના સભ્યો માટે પ્રાથમિક સારવારનો કોર્સ કરી આપવાની ઓફર કરી હતી, જે સૌજન્યએ સમુદાય અને વોલંટીયર્સ વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવ્યું હતું.
મહાદેવ શાખાના મુખ્ય કાર્યવાહ શ્રીકાંત પાસૌલ્ડીએ જણાવ્યું હતું કે “ઇમરજન્સી સેવાઓના અધિકારીઓની હાજરીએ માત્ર રક્ષાબંધનની ભાવના ‘રક્ષણ અને સંભાળ’ને સન્માનિત કરવા સાથે અમારા સભ્યોને સલામતી અને સમુદાય સેવાનું મૂલ્ય જાણવા અને તેના વિશે વધુ શીખવા માટે પણ પ્રેરણા આપી હતી.”
મહાદેવ શાખાએ આ ઉજવણીને શક્ય બનાવનાર દરેક સ્વયંસેવકો અને મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
