પુણેના બારામતી ખાતે ક્રેશ સ્થળ પર વિમાનનો કાટમાળ. આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને વિમાનમાં સવાર પાંચ લોકોના મોત થયા હતાં. (ANI Video Grab)

મહારાષ્ટ્રના બારામતીમાં બુધવાર, 28 જાન્યુઆરીએ પ્લેન ક્રેશમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને એનપીસીના વડા અજિત પવાર સહિત બીજા ચાર લોકોના મોત થયાં હતાં. વિમાન મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાયલટ અને પવારના સુરક્ષા કર્મચારીઓ સહિત ચાર અન્ય લોકોના પણ મોત થયાં હતાં.
મુંબઈથી સવારે ૮.૧૦ વાગ્યે ઉડાન ભરેલું નાનું વિમાન અડધા કલાક પછી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન બારામતી એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. અહેવાલો અનુસાર અજીત પવાર આવતા મહિને યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ચાર મહત્વપૂર્ણ જાહેર સભાઓમાં હાજરી આપવાનાં હતાં.

ઘટનાસ્થળ પરથી મળેલા દ્રશ્યોમાં આગ અને ધુમાડો, વિમાનના ક્ષતિગ્રસ્ત અવશેષો અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જતી એમ્બ્યુલન્સ દેખાય છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે જણાવ્યું હતું કે દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ પાંચ મુસાફરોના મોત થયા હતાં.

૬૬ વર્ષીય અજિત પવાર પીઢ રાજકારણી અને NCP સ્થાપક શરદ પવારના ભત્રીજા અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેના પિતરાઈ ભાઈ હતા. સંસદના બજેટ સત્ર માટે દિલ્હીમાં રહેલા શરદ પવાર અને સુલે ટૂંક સમયમાં પુણે જવા રવાના થશે. અજિત પવારના પરિવારમાં પત્ની સુનેત્રા અને પુત્રો પાર્થ અને જય છે.

અજિત પવારે મહારાષ્ટ્રમાં ચાર મુખ્યમંત્રીઓ પૃથ્વીરાજ ચવ્હાણ, ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના શાસનકાળમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 2023માં અજિત પવારે NCPમાં બળવાનું નેતૃત્વ કર્યું હતું, જેના કારણે પાર્ટી બે જૂથોમાં વિભાજીત થઈ ગઈ હતી. એકનું નેતૃત્વ તેમના દ્વારા અને બીજાનું નેતૃત્વ તેમના કાકા શરદ પવાર દ્વારા કરવામાં આવતું હતું. તેઓ પછીથી NDA સરકારમાં જોડાયા અને નાયબ મુખ્યમંત્રી બન્યાહતાં. જોકે, તાજેતરમાં NCPના પુનઃમિલનની ચર્ચા થઈ હતી, અને બંને જૂથોએ પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાથે મળીને ચૂંટણી લડી હતી.

આ ફ્લાઇટ VSR નામની કંપની દ્વારા સંચાલિત હતી અને તે Learjet 45 હતી. સપ્ટેમ્બર 2023 માં મુંબઈમાં આ જ બ્રાન્ડનું એક વિમાન ક્રેશ થયું હતું. ફ્લાઇટ ટ્રેકર, flightradar24 અનુસાર, વિમાને સવારે 8.10 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી હતી અને સવારે 8.45 વાગ્યે રડાર પરથી ગાયબ થયું હતું. Flightradar24એ જણાવ્યું હતું કે વિમાન બીજી વાર ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું હતું. પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે ક્રેશ પછી, આગ લાગી હતી. વિમાનમાં સવાર લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અજિત પવારના અકાળ અવસાનને “આઘાતજનક અને દુઃખદ” ગણાવીને જણાવ્યું હતું કે અજિત પવાર લોકોના નેતા હતાં, જેમનું પાયાના સ્તર પર મજબૂત જોડાણ હતું. મહારાષ્ટ્રના લોકોની સેવા કરવામાં મોખરે રહેલા મહેનતુ વ્યક્તિત્વ તરીકે તેમનું વ્યાપકપણે સન્માન કરવામાં આવતું હતું. વહીવટી બાબતોની તેમની સમજ તથા ગરીબો અને દલિતોને સશક્ત બનાવવાનો જુસ્સો પણ નોંધપાત્ર હતો. તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

દુર્ઘટનાની માહિતી મળ્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પુણે જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે. X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તેમને “ખૂબ દુઃખ” થયું છે. અજીત પવારએ મહારાષ્ટ્રના દરેક વર્ગના કલ્યાણ માટે જે રીતે પોતાને સમર્પિત કર્યા તે શબ્દોમાં વર્ણવી શકાય નહીં. તેમનું મૃત્યુ મારા માટે વ્યક્તિગત નુકસાન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અજિત પવારના અવસાનના સમાચાર ખૂબ જ આઘાતજનક અને ખૂબ જ દુઃખદ છે.

LEAVE A REPLY