ભારતના પ્રવાસે ગયેલી ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે ત્રણ વન-ડેની સીરીઝમાં ભારતને 2-1થી હરાવ્યા પછી ટી-20માં ડીફેન્ડીંગ ચેમ્પિયન ભારતે તેનો દબદબો શા માટે છે તે બતાવી આપ્યું છે અને પાંચ ટી-20ની સીરીઝની પ્રથમ ત્રણે ટી-20માં ધમાકેદાર વિજય સાથે ન્યૂઝીલેન્ડને દયાજનક સ્થિતિમાં મુકી દીધું છે.
ત્રીજી ટી-20માં રવિવારે ગુવાહાટી ખાતે ભારતે 154 રનનો વિજયનો ટાર્ગેટ ફક્ત 10 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. આઈસીસીની પૂર્ણકક્ષાની સભ્ય ટીમ સામે 150 રનથી વધુનો વિજયનો ટાર્ગેટ 10 ઓવર, એટલે કે 60 બોલ બાકી હોય ત્યારે હાંસલ કરી લેનારી તે વિશ્વની સૌપ્રથમ ટીમ બની છે. સૌથી વધુ બોલ બાકીનો અગાઉનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે 2024માં હતો, જેમાં તેણે સાઉથ આફ્રિકાને 37 બોલ બાકી હતા ત્યારે હરાવ્યું હતું, તો ઈંગ્લેન્ડે તેની હરીફ ટીમને 33 બોલ બાકી હતા ત્યારે હરાવી હતી.
ભારતે 2024થી અત્યારસુધીમાં સળંગ 11 ટી-20 સીરીઝમાં વિજયનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. આ રેકોર્ડ હવે સંયુક્ત રીતે ભારત અને પાકિસ્તાનના નામે રહે છે, પાકિસ્તાને 2016 થી 2018 દરમિયાન સતત 11 ટી-20 સીરીઝમાં વિજય નોંધાવ્યો હતો.
ઘરઆંગણે સૌથી વધુ સળંગ સીરીઝમાં વિજયનો રેકોર્ડ પણ હવે ભારતના નામે થયો છે. 2022 પછી ભારતે સતત 10 ટી-20 સીરીઝમાં વિજય ધ્વય લહેરાવ્યો છે, અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે 2006 થી 2010 દરમિયાન 8 સીરીઝમાં વિજયનો હતો.
આ તમામ રેકોર્ડ્ઝ રવિવારે (25 જાન્યુઆરી) ગુવાહાટીમાં નોંધાયા હતા. તે અગાઉ, શુક્રવારે રાયપુરમાં બીજી ટી-20માં પણ ભારતે કેટલાક નવા રેકોર્ડ્ઝ નોંધાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે 208 રન કર્યા હતા અને ભારત સામે વિજય માટે 209 રનનો ટાર્ગેટ હતો. ભારતની શરૂઆત ઘણી નબળી રહી હતી, ફક્ત છ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી 200થી વધુ રનનો ટાર્ગેટ હાંસલ કરનારી તે વિશ્વની સૌપ્રથમ ટીમ બની હતી.
શરૂઆતમાં ફક્ત ચાર રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી ન્યૂઝીલેન્ડે 2023માં 194 રનનો ટાર્ગેટ હાંસલ કરી પાકિસ્તાનને હરાવ્યાનો રેકોર્ડ આ સાથે ભૂંસાયો છે. ટી-20માં સૌથી વધુ રનનો ટાર્ગેટ હાંસલ કરવાનો પણ આ બીજો રેકોર્ડ હવે ભારતના નામે નોંધાયો છે. અગાઉ ભારતે જ 2023માં વિશાખાપટ્ટનમ ખાતે ઓસ્ટ્રેલિયાને આટલો જ ટાર્ગેટ હાંસલ કરી હરાવ્યું હતું.
રાયપુરની મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ફોક્સના નામે વિશ્વના સૌથી મોંઘા ટી-20 બોલરનો નામોશીભર્યો રેકોર્ડ નોંધાયો હતો. ભારતના બેટિંગ મશીનના વાવાઝોડામાં ફક્ત ત્રણ ઓવરમાં 67 રન ફોક્સની ઓવરમાં ઝુડાયા હતા. એ મેચમાં સુકાની સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને રમતનું પાસું જ પલટી નાખ્યું હતું. સૂર્યકુમારે 37 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 82 રન કર્યા હતા, તો ઈશાન કિશને 32 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 76 રન કર્યા હતા. બંનેની આક્રમક બેટિંગ સામે કીવી બોલરો લાચાર દેખાતા હતા.














