પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. રાજ્ય સરકારે મંગળવારે નવો આદેશ જારી કરીને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ મુસાફરોએ છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ અને આ ટેસ્ટનું નેગેટિવ પરિણામ હોવું જોઈએ. મહારાષ્ટ્રમાંથી આવતા તમામ વ્યકિતઓનું સ્ક્રીનિંગ ફરજીયાત પણે કરવાનું રહેશે. સરકારના આદેશનો તાકીદની અસરથી અમલ થશે.

ગુજરાતમાં કોરોના કેસ વધી રહ્યા છે, તેનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવતાં કેટલાંક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. તેમાં જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલા કે તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળેલ છે.

તેનાથી મહારાષ્ટ્રમાંથી કોવિડ-19નાં કેસોનો વ્યાપ ગુજરાતમાં ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના પગલાંરૂપે એપિડેમિક ડીસીઝ એકટ, 1897 અન્વયે મળેલ સત્તાની રુએ આ પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં મંગળવાારે કોરનાના 28,999 નવા કેસ નોંધાયા હતા અને 132 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં મંગળવારે વિક્રમજનક 1,730 નવા કેસો નોંધાયા હતા.