મુંબઈમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હોવા છતાં લોકોએ રવિવાર, 21 ફેબ્રુઆરી 2021ના રોજ મોટી સંખ્યામાં જુહું બીચની મુલાકાત લીધી હતી. (PTI Photo)

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવાર, 21 ફેબ્રુઆરી 2021ના લોકોને ચેતવણી આપી હતી કે રાજ્યમાં પૂર્ણ લોકડાઉનને ટાળવા માટે લોકોએ કોરોનાના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઇએ. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના આશરે 7,000 કેસ નોંધાયા છે. જો કોરોનાની સ્થિતિ વધુ ખરાબ બનશે તો રાજ્ય સરકારને લોકડાઉન લાદવાની ફરજ પડશે.

તેમણે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાના દૈનિક કેસો છેલ્લાં કેટલાંક દિવસોમાં બમણા થયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. તેમણે ચેતવણી આપી હતી કે જો કોરોનાના કેસોમાં વધારો ચાલુ રહેશે તો લોકડાઉનની વિચારણા કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આપણને લોકડાઉનની જરૂર છે?જો તમે જવાબદારીપૂર્વક વર્તન કરશો તો આગામી આઠ દિવસમાં ખબર પડશે. લોકડાઉન ઇચ્છતાં ન હોવ તો માસ્ક પહેરો. લોકડાઉન ઇચ્છતાં લોકો માસ્કર પહેરશે નહીં.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં મોટો વધારા થતાં રાજ્ય સરકારે અમરાવતી ઉપરાંત અકોલા, બુલઢાના, વાશિમ, યવતમાલ જિલ્લામાં સાત દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી હતી. આ કોરોના પ્રતિબંધો આગામી 1 માર્ચ સુધી અમલી રહેશે. લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોને જ ઉપસ્થિત રહેવાની મંજુરી આપવામાં આવી છે, જ્યારે ઓફિસોમાં પણ માત્ર 15 ટકા સ્ટાફને જ હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે. તે સાથે જ શાળા કોલેજો બંધ રહેશે. જો કે આ દરમિયાન જીવન જરૂરી આવશ્યક સેવાઓ ચાલું રહેશે.

આ પહેલા ગુરૂવારે રાજ્યમાં કોરોના સંક્રમણનાં 5,427 કેસ નોંધાયા હતા, તેને જોતા ખાસ કરીને 5 જિલ્લામાં સપ્તાહનાં અંતે લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે અંતર્ગત દુકાનો અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે. યવતમાલ જિલ્લામાં સ્કુલોને 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે, અને લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે, પરંતું આ સ્થાનો પર કોરોના સંબંધિત પ્રોટોકોલનું કડકપણે પાલન કરવાનું રહેશે, કોરોના નિષ્ણાતોને અમરાવતી અને યવતમાલમાં બે નવા મ્યુટેશન મળી આવ્યા છે. જે અન્ટિબોડીને નિષ્ક્રિય કરી શકે છે, રાજ્યનાં અન્ય જિલ્લાઓની તુલનામાં કોરોનાનાં કેસ અહીં વધ્યા છે.

તે ઉપરાંત પુણેમાં પણ લોકોનાં ફરવા પર રાત્રીનાં 11 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે, જો કે આ દરમિયાન જરૂરી કામ માટે લોકો આવન-જાવન કરી શકશે, જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી શાળા-કોલેજો બંધ રહેશે, રાજ્ય સરકારમાં પ્રધાન વિજય વડેટ્ટીવારએ શનિવારે જણાવ્યું કે જો રાજ્યમાં કેસ સતત વધતા રહ્યા તો 12 કલાકનું નાઇટ કર્ફ્યું લગાવામાં આવી શકે છે.