ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા. (ANI Photo/Sansad TV)

કાલીમાતા અંગે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની ટીપ્પણીનો વિવાદ વકર્યો છે. ભોપાલમાં મોઇત્રા સામે ધામિક લાગણી દુભાવવા બદલ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, બીજી તરફ પશ્ચિમ બંગાળના ભાજપ એકમે સાંસદની ધરપકડ કરવાની માગણી કરી છે. જોકે મોઇત્રાએ ભાજપને ધરપકડ કરવાનો પડકાર ફેંકતા જણાવ્યું હતું  તે ભાજપના ‘ગૂંડા’ ડરતી નથી. તે કાલી માતાની ભક્ત છે અને કોઇનાથી પણ ડરતી નથી.

મોઇત્રાએ મંગળવારે વિવાદાસ્પદ ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે કાલીમાતાને માંસ-મદીરા સ્વીકારતી માતા તરીકે જોવાનો એટલો જ હક છે જેટલો દરેક વ્યક્તિને પોતાની રીતે દેવ દેવતાઓની પૂજા કરવાનો હક છે.

મોઇત્રાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે આ ટીપ્પણીથી પોતાને અલગ કરીને તેની નિંદા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે મોઇત્રા પરના હુમલાથી તેમને આઘાત લાગ્યો છે. ટીએમસીના વરિષ્ઠ નેતાએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે પાર્ટીએ તેની ગંભીર નોંધ લીધી છે અને આવી ટીપ્પણીને કોઇપણ રીતે સમર્થન આપતી નથી. મોઇત્રા પાસેથી ખુલાસો માંગવામાં આવશે અને ભવિષ્યમાં આવી ટીપ્પણી ન કરવાની ચેતવણી આપવામાં આવશે.

મોઇત્રાની ધરપકડની માગણી કરતાં બંગાળ ભાજપે જણાવ્યું હતું જો પોલીસ દસ દિવસમાં કાર્યવાહી નહીં કરે તો તે કોર્ટમાં જશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં મોઇત્રા સામે અનેક ફરિયાદો કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ટીએમસી સરકાર અને રાજ્યની પોલીસ નુપુર શર્મા સામે કાર્યવાહી કરવામાં સક્રિય છે, પરંતુ મહુઆ મોઇત્રા સામે કોઇ પગલાં લીધા નથી. ભાજપ અને ટીએમસીના નેતાઓ માટે અલગ-અલગ નિયમો ન હોવા જોઇએ. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે મોઇત્રાના નિવેદનથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. અમે કોઇપણ ભોગે હિન્દુ દેવ દેવીઓના અપમાનને સહન કરીશું નહીં.