સાબરમતી આશ્રમ (istockphoto.com)

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નામની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવશે. આ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના ગાંધી આશ્રમથી ૧૨ માર્ચથી ૫ એપ્રિલ દરમિયાન યોજાનારી 21 દિવસની દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવમાં ભાગ લેવા માટે તમામ સાંસદો અને જાહેર પ્રતિનિધિનિઓને બુધવારે અનુરોધ કર્યો હતો. ભાજપની પાર્લામેન્ટરી પાર્ટીની બેઠકમાં સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે આ ભવ્ય મહોત્સવ 75 સપ્તાહ સુધી દેશના 75 સ્થળોએ યોજવામાં આવશે.

આ ઉજવણીના આરંભ પ્રસંગે દેશભરમાં અને ગુજરાતમાં પણ ૭૫ સ્થળોએ રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગુજરાતથી આ ઉજવણીના પ્રારંભના ઐતિહાસિક અવસરને રાષ્ટ્રચેતના સભર ઉત્સવ બનાવવાના આયોજનને ઓપ આપવા મંગળવારે રાજ્યકક્ષાની સમિતિની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજી હતી.

રૂપાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી ૧૨ માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઉજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિલોમીટર દાંડીયાત્રાથી આ ઉજવણીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવવાના છે. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્થળો પૈકી બારડોલી, દાંડી, પોરબંદર, રાજકોટ, વડોદરા, માંડવીમાં મોટા કાર્યક્રમો તથા જિલ્લામથકો સહિત અન્ય સ્થળોએ મળી ૭૫ કાર્યક્રમો એક સાથે યોજાશે. આ બધા જ સ્થળોએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ કરવામાં આવશે. આઝાદી માટે બલિદાન આપનારા દેશપ્રેમીઓનો મંત્ર ડાઇ ફોર ધ નેશન હતો, હવે આપણે લીવ ફોર ધ નેશનના ધ્યેય સાથે વર્તમાન અને ભાવિ પેઢીમાં રાષ્ટ્રપ્રેમ ભાવના પ્રભળ બનાવવાની છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં આ ધ્યેયને મહત્વ આપવામાં આવશે.

મુખ્ય ત્રણ વિષયવસ્તુ સાથે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજનો થશે. આ ઉપરાંત ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને આઝાદી મેળવવા સુધીના સંગ્રામની ગાથા નવી પેઢી સમક્ષ ઉજાગર કરાશે. આ સમગ્ર ઉજવણીમાં ૧૨ માર્ચથી ૫ એપ્રિલ દરમિયાન યોજાનારી દાંડીયાત્રાના માર્ગમાં આવતા સ્થળો પૈકી ૨૧ જગ્યાએ રાત્રિ મુકામ આ પદયાત્રાના યાત્રિકો કરશે. આ યાત્રાનું સમાપન ૫ એપ્રિલે દાંડી ખાતે એક ભવ્ય સમારોહ યોજીને કરવામાં આવશે.