Mallikarjun Kharge defeated Shashi Tharoor,National President of the Congress
(ANI Photo)

કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષપદની ચૂંટણીમાં 19 ઓક્ટોબરે શશિ થરૂર સામે ગાંધી પરિવાર સમર્થિત મલ્લિકાર્જૂન ખડગેનો વિજય થયો છે. સીતારામ કેસરી બાદ 24 વર્ષ પછી કોંગ્રેસને મલ્લિકાર્જુન ખડગેના સ્વરૂપ ગાંધી પરિવારની બહારના પહેલા અધ્યક્ષ મળી ગયા છે. 80 વર્ષના ખડગેએ 7,897 વોટ મળ્યા હતા, જ્યારે થરૂરને માત્ર 1072 વોટ જ મળ્યા હતા. 416 વોટ અમાન્ય જાહેર થયા હતા. કુલ 9,385 વોટ પડ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થયું હતું.

ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 9,900માંથી 9,500 ડેલીગેટએ મતદાન કર્યું હતું. કોંગ્રેસમાં આ પહેલા અધ્યક્ષપદ માટે ચૂંટણી 1939, 1950, 1977, 1997 અને 2000માં ચૂંટણી થઈ હતી.2000ની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ જિતેન્દ્ર પ્રસાદને હરાવીને પ્રમુખ પદ મેળવ્યું હતું. ગાંધી પરિવાર સાથે ગાઢ સંબંધ અને ઘણા સીનિયર નેતાઓ સાથેના સમર્થનને પગલે ખડગેની દાવેદારી પહેલેથી જ મજબૂત મનાતી હતી.

થરૂરે ખડગે સામેની કારમી હારને સ્વીકાર કરતા પાર્ટીના નવા અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. થરૂરે જણાવ્યું હતું કે તેઓ પરિણામનો સ્વીકાર કરે છે. ખડગેને અભિનંદન આપવા થરૂર તેમના ઘરે પણ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, મતગણતરી દરમિયાન થરૂર કેમ્પે ગરબડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, કોંગ્રેસે એ આરોપોને ફગાવી દીધા હતા.
ખડગે લાંબા સમયથી ગાંધી પરિવારના વફાદાર રહ્યા છે. ખડગેનો જન્મ કર્ણાટકના બીદર જિલ્લાના વારવત્તી વિસ્તારમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. વર્ષ 1969માં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 1972માં પહેલી વખત કર્ણાટકની ગુરમીતકલ એસેમ્બલી સીટથી ધારાસભ્ય બન્યા. ખડગે ગુરમીતકલ સીટ પરથી 9 વખત ધારાસભ્ય ચૂંટાયા હતા.

LEAVE A REPLY

4 × four =