ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઇ દેસાઇ

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ બે ફેબ્રુઆરીએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરીને અનેક નવી જાહેરાતો કરી હતી. થોડા મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા 2024-25ના નાણાકીય વર્ષ માટેના બજેટમાં ટેક્સમાં વધારો કરાયો નથી અથવા તો નવા ટેક્સ લાદવામાં આવ્યા નથી, પરંતુ 2047 સુધી દેશને વિકસિત બનાવવાના નરેન્દ્ર મોદીના સંકલ્પને ધ્યાનમાં રાખીને ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માટેનો રોડમેપ જારી કર્યો હતો.

સમગ્ર રાજ્યમાં નાગરિકોના જીવનને સુધારવાનો ઉદ્દેશ્ય સાથે બજેટમાં માળખાકીય વિકાસ, શિક્ષણ, સામાજિક કલ્યાણ અને આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવામાં આવી છે. નાણાપ્રધાને ગૃહને માહિતી આપી હતી કે 2024-25 માટે રૂ.3,32,465 કરોડનું અંદાજપત્ર ગત નાણાકીય વર્ષ કરતાં રૂ.31,444 કરોડ અથવા 10.44 ટકાનો વધારો દર્શાવે છે.

રાજ્યના બજેટનું કદ આશરે રૂ.3.32 લાખ કરોડ રહ્યું હતું, જે રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું છે. નાણાપ્રધાને આ વખતના બજેટમાં સરકારે શિક્ષણ અને આરોગ્ય પર ખાસ ફોકસ કર્યો હતો. આ ઉપરાતં ગ્રીન એનર્જી અને સંલગ્ન ઉદ્યોગો માટે પણ ખાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. .ગુજરાતમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે તેથી તેના પડકારને પહોંચી વળવા માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે ગુજરાતની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવશે. નાણાપ્રધાને જનરક્ષક યોજના નામની યોજનાની જાહેરાત કરી હતી. તે મુજબ હવેથી ઇમર્જન્સી નંબર 112 નંબર પરથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમર્જન્સી સેવાઓ ઉપલબ્ધ થશે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે વાર્ષિક રૂ.10,000ની સહાય કરવામાં આવશે. ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીનીઓને વાર્ષિક રૂ.15,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે વિદ્યાર્થી દીઠ કુલ રૂ.25,000 સહાય કરવામાં આવશે.આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધીને 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે રૂ.400 કરોડનો ખર્ચ થશે

નાણાપ્રધાને 10 લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે રૂ.1,250 કરોડની ફાળવણી કરાઈ હતી. આ વખતના બજેટમાં નાણામંત્રીએ મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને ફોકસમાં રાખ્યા છે. રાજ્યમાં સાયન્સના ભણતરને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજના જાહેર કરી હતી.

નાણાપ્રધાને જણાવ્યું કે રાજ્યના અલગ અલગ નિગમો માટે રાજ્ય સરકારના ફંડમાંથી રૂ.250 કરોડની જોગવાઈ કરાવામાં આવી છે. તેમાં આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ આવાસ યોજના માટે રૂ. 243 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કર્યો છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું આ બજેટ છે. અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય, રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે. 2047 સુધી ગુજરાતનું અર્થતંત્ર 0.28 ટ્રિલિયન યુએસ ડોલરથી 3.5 ટ્રિલિયન કરવાનો લક્ષ્ય છે. બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના પાંચ સ્તંભ છે. નમો સરસ્વતી યોજનામાં સાયન્સમાં અભ્યાસ કરતી ગરીબ-મધ્યમ વર્ગની વિદ્યાર્થિનીઓને ધો. 11માં 10 હજાર, ધો. 12માં 15 હજાર સહાય આપવામાં આવશે.

બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ.22,194 કરોડની જોગવાઇ કરાઈ હતી. જેમાં ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ અને સહાયનો સમાવેશ થાય છે. કૃષિ યાંત્રિકીકરણ સહાય માટે રૂ. 701 કરોડની જોગવાઇ છે. વન્ય પ્રાણીઓથી પાકને નુકસાન અટકાવવા રૂ.350 કરોડ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ રૂ.218 કરોડ, ખેડૂતોને વીમા રક્ષણ યોજના હેઠળ રૂ.81 કરોડની જોગવાઇ છે. મિલેટ્સના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરાશે. તથા મિલેટ્સ સહાય, પ્રચાર માટે રૂ.35 કરોડની જોગવાઇ છે.

LEAVE A REPLY

ten + fourteen =