(ANI Photo)
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નો તાજ હાંસલ કર્યો છે. શ્રેયસ ઐય્યરની આગેવાની હેઠળની ટીમ ચેમ્પિયન બન્યા સુધીની આ સફરમાં ડઝનેક રેકોર્ડ તોડ્યા હતા.  કોલકાતા સૌથી ઓછી – ત્રણ મેચ હારીને ચેમ્પિયન બની છે. ખરેખર તો સનરાઈઝર્સ હૈદરાબાદ તેની તોફાની બેટિંગના રેકોર્ડના કારણે સૌથી જોખમી હરીફ ગણાતી હતી, તે આઈપીએલના ઈતિહાસમાં ફાઇનલમાં સૌથી ઓછા સ્કોરે આઉટ થઈ ગઈ હતી.
કોલકાતાના તાજ અને ગૌતમ ગંભીર વચ્ચે પણ રસપ્રદ સંબંધ છે. ગંભીરના સુકાનીપદે કોલકાતાને પ્રથમ બે ટાઈટલ મળ્યા હતા. ત્રીજું ટાઈટલ મેળવતી વખતે ગંભીર ટીમનો મેન્ટર હતો.
કોલકાતા અને હૈદરાબાદનો આ ટાઈટલ જંગ માત્ર 29 ઓવરમાં પુરો થઈ ગયો હતો. આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં આ સૌથી ટૂંકી ફાઈનલ કે પ્લેઓફ મેચનો રેકોર્ડ સર્જાયો છે. કોલકાતાએ 57 બોલ બાકી હતા ત્યારે વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ 2024માં કુલ 14 સદી નોંધાઈ હતી, એક સિઝનમાં સૌથી વધુ સદીનો નવો રેકોર્ડ છે. આ પહેલા 12 સદીનો રેકોર્ડ હતો.
આ વર્ષે 41 વખત કોઈ ટીમે 200 કે તેથી રનનો વધુનો સ્કોર કર્યો હતો. આ પણ એક સિઝનમાં સૌથી વધુ 200+ સ્કોરનો રેકોર્ડ છે. આ જ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 287 રન કર્યા હતા, જે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બન્યો હતો.
આ વર્ષે આઈપીએલમાં સૌથી વધુ – 1260 છગ્ગાનો રેકોર્ડ પણ નોંધાયો હતો. આ વર્ષે 9.56ના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 25971 રન થયા હતા, તે પણ એક સિઝનમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટનો રેકોર્ડ છે.

LEAVE A REPLY