Maruti Suzuki celebrates 40 years
ભારતમાં સુઝુકીના 40 વર્ષની ઉજવણી માટે ગાંધીનગર ખાતે 22 ઓગસ્ટે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનની સુઝુકી મોટર કોર્પના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકી અને સુઝુકી મોટરના પ્રેસિડન્ટ તોશિહિરો સુઝુકી હાજર રહ્યાં

ભારતમાં મારુતિ સુઝુકીના 40 વર્ષની ઉજવણી કરવાના એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના હાંસલપુર ખાતેના સુઝુકી ગ્રૂપના નવા પ્રોજેક્ટ્સ સુઝુકી મોટર ગુજરાત ઇલેક્ટ્રિક વ્હિકલ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. મોદીએ હરિયાણા ખાતેના મારુતિ સુઝુકીના નવા વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા પણ વીડિયો કોન્ફરન્સ મારફત હાજર રહ્યાં હતા.

આ અંગેનો કાર્યક્રમ રવિવારે ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં યોજાયો હતો. આ પ્રસંગે ભારત ખાતેના જાપાનના એમ્બેસેડર સતોશી સુઝુકી, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવ, સુઝુકી મોટર્સના પ્રેસિડન્ટ ટી સુઝુકી અને સીઇઓ ઓસામુ સુઝુકી હાજર રહ્યાં હતા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત અને જાપાન વચ્ચેના સંબંધો રાજદ્વારી વર્તુળો કરતાં પણ ઊંચા છે. મને યાદ છે કે વર્ષ ૨૦૦૯માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરાયું હતું, ત્યારથી જાપાન ગુજરાત સાથે ભાગીદાર દેશ તરીકે સંકળાયેલું રહ્યું છે. ગુજરાતે સુઝુકી સાથેનું પોતાનું વચન પાળ્યું છે અને એ જ રીતે સુઝુકીએ પણ ગુજરાતની ઈચ્છાઓને સન્માન સાથે પૂરી કરી છે. તેનાથી પરિણામે ગુજરાત આજે વિશ્વમાં ટોચના ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે.

ગુજરાતમાં મિની જાપાન બનાવવાના સંકલ્પને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, અનેક નાની નાની બાબતોનો ખ્યાલ રાખીને અનેક પગલાં લેવાયા હતા. જેમાં જાપાનીઝ વાનગીઓ સાથે વિશ્વ-કક્ષાના અનેક ગોલ્ફ કોર્સ અને રેસ્ટોરન્ટ્સની રચના તેમજ જાપાનીઝ ભાષાનો પ્રચાર સહિતનો સમાવેશ થાય છે. અમારા પ્રયાસો હંમેશા જાપાન માટે ગંભીરતા અને આદર ધરાવે છે. તેથી જ સુઝુકી સાથે લગભગ 125 જેટલી અન્ય જાપાનીઝ કંપની ગુજરાતમાં કાર્યરત છે.

મોદીએ કહ્યું હતું કે EV ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર દ્વારા છેલ્લાં આઠ વર્ષથી મજબૂત પાયો તૈયાર કરાયો અને ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાને પ્રોત્સાહનો અપાઇ રહ્યા છે. 2022ના નાણાકીય બજેટમાં બેટરી સ્વેપિંગની નીતિનો સમાવેશ કરાયો છે. આના કારણે પુરવઠો, માંગ અને ઇકોસિસ્ટમના મજબૂતીકરણ સાથે, EV ક્ષેત્ર પ્રગતિ કરશે.