યુએસએના નવનિયુક્ત પ્રેસિડેન્ટ જો બાઈડેને દેશમાં ગંભીર સ્તરે પ્રસરેલા કોરોના વાઇરસને નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તેમણે પ્રથમ ૧૦૦ દિવસ માટેનો એક્શન પ્લાન જાહેર કર્યો છે. અમેરિકન નાગરિકોએ હવે આગામી ૧૦૦ દિવસ સુધી માસ્ક ફરજિયાત પહેરવું પડશે અને અમેરિકામાં આવનાર પ્રવાસીઓએ ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે.
અમેરિકામાં અત્યાર સુધી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને માસ્ક મરજિયાત રાખ્યું હતું, પરંતુ તેને બદલે હવે બાઈડેને આગામી ૧૦૦ દિવસ માટે તમામ નાગરિકો માટે માસ્ક ફરજિયાત કર્યું છે.
નવા એક્શન પ્લાન મુજબ અમેરિકામાં આવતા વિદેશી પ્રવાસીઓએ કોરોનાનો ટેસ્ટ પણ ફરજિયાત કરાવવો પડશે. તમામ શંકાસ્પદ બીમાર દર્દીઓનો રીપોર્ટ કરાવવા પણ બાઈડેને હેલ્થ વિભાગને જણાવ્યું છે.
બાઈડેને સત્તા સંભાળતાની સાથે જ હેલ્થ વિભાગને સક્રિય થવાનો આદેશ કર્યો હતો. આગામી ૧૦૦ દિવસમાં બાઈડેને ૧૦ કરોડ નાગરિકોને રસી આપવાનું ટાર્ગેટ નક્કી કર્યું છે.
અમેરિકામાં નવા ૨૪૦૩ દર્દીઓ સાથે કુલ ૨,૫૧,૯૮,૪૮૯ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં કુલ મૃત્યુઆંક ૪.૨૦ લાખને પાર થઈ ગયો છે. બાઈડેને ચિંતા વ્યક્ત કરી છે કે આવતો મહિનો પૂર્ણ થશે ત્યાં સુધીમાં મૃત્યુઆંક પાંચ લાખ થઈ શકે છે.