કોવિડ-19 મહામારીની માર્ગદર્શિકા મુજબ એરપોર્ટ અને ફ્લાઇટમાં માસ્ક ન પહેરનારા પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ દિલ્હી હાઈકોર્ટે આપ્યો છે, અને જણાવ્યું છે કે, આવા પ્રવાસીઓના નામ નો-ફ્લાય લિસ્ટમાં સામેલ કરવા જોઈએ.
કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે કહ્યું કે, આદેશ આપવામાં આવે છે, પરંતુ સમસ્યા એ છે કે હકીકતમાં તેનું સ્થળ પર પાલન થતું નથી. બેન્ચે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશન (DGCA)ને આદેશ આપ્યો કે, એરપોર્ટ અને વિમાનમાં કર્મચારીઓ, એર હોસ્ટેસ, કેપ્ટન-પાયલોટને માસ્ક નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવવાનું કહેવામાં આવે.
એક જાહેર હિતની અરજીના સંદર્ભે હાઈકોર્ટે કહ્યું કે, માસ્ક નિયમોનું ઉલ્લંઘન કરનારા મુસાફરો પર કેસ કરવો જોઈએ અને દંડ કરવો જોઈએ. ખંડપીઠે કહ્યું કે આ સંદર્ભે પગલાં લેવા જોઈએ અને ડીજીસીએ એક્શન ટેકન રિપોર્ટ 18 જુલાઈએ થનારી સુનાવણીમાં રજૂ કરે.
સુનાવણી દરમિયાન ડીજીસીએ તરફથી હાજર રહેલા એડવોકેટ રંજના ગોસાઈએ બેન્ચને જણાવ્યું હતું કે, એરપોર્ટ અને વિમાનમાં ભોજન વખતે જ છૂટ આપવામાં આવે છે અને આ અંગેના સંપૂર્ણ આદેશો આપવામાં આવ્યા છે. બેન્ચે કહ્યું હતું કે, આદેશ જારી કરવામાં કોઈએ સવાલ ઉઠાવ્યો નથી, પરંતુ સમસ્યા એ છે કે એજન્સી તેનો સ્થળ પર અમલમાં કરાવવામાં નિષ્ફળ રહી છે.