કાનપૂરમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતના શ્રેયસ ઐયર અને રવિન્દ્ર જાડેજા (ANI Photo)

ન્યુઝિલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ગુરુવારે પ્રથમ દિવસે ભારતની ટીમે ચાર વિકેટે 258 રન બનાવ્યા હતા. કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા શ્રેયસ ઐય્યર અને રવીન્દ્ર જાડેજાની શાનદાર અડધી સદીની મદદથી ભારતે ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડ સામે મક્કમ શરૂઆત કરી છે. પ્રથમ દિવસના અંતે શ્રેયસ ઐય્યર 75 અને રવીન્દ્ર જાડેજા 50 રને રમતમાં હતા. આ બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે અણનમ 113 રનની ભાગીદારી નોંધાવી છે.

કાનપુરમાં આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમમાં સુકાની વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ અને જસપ્રિત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી છે. કોહલીની ગેરહાજરીમાં કાર્યકારી સુકાની અજિંક્ય રહાણે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગની જવાબદારી મયંક અગ્રવાલ અને શુભમન ગિલ પર હતી. જોકે, કાયલે જેમિસને મયંકને સસ્તામાં આઉટ કરીને ભારતને પ્રથમ ફટકો આપ્યો હતો. મયંક 13 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં શુભમન ગિલે શાનદાર રમત દાખવી હતી અને અડધી સદી ફટકારી હતી. ગિલે 93 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે 52 રન ફટકાર્યા હતા.

મયંક આઉટ થયા બાદ ચેતેશ્વર પૂજારા બેટિંગમાં આવ્યો હતો. તેણે પોતાના અંદાજમાં બેટિંગ કરી હતી અને ક્રિઝ પર સેટ થવા માટે સમય લીધો હતો. જોકે, સેટ થયા બાદ તે મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. આવી જ રીતે સુકાની અજિંક્ય રહાણે પણ મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી બંને બેટ્સમેનોના ફોર્મને લઈને ચર્ચા ચાલી રહી છે. પૂજારા 88 બોલમાં બે ચોગ્ગા સાથે 26 રન નોંધાવીને આઉટ થયો હતચો જ્યારે રહાણેએ છ ચોગ્ગા સાથે 63 બોલમાં 35 રન નોંધાવ્યા હતા.

કાયલે જેમિસને ભારતીય ટોપ ઓર્ડરને વધારે સફળ થવા દીધો ન હતો. તેણે મયંક અગ્રવાલ, શુભમન ગિલ અને અજિંક્ય રહાણેની મહત્વની વિકેટો ઝડપી હતી. ભારતે 145 રનમાં ટોચની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, બાદમાં પ્રથમ ટેસ્ટ રમી રહેલા શ્રેયસ ઐય્યર અને રવીન્દ્ર જાડેજાએ બાજી સંભાળી હતી. આ જોડીએ અત્યંત ધીરજપૂર્વક બેટિંગ કરીને કિવિ બોલર્સને દિવસમાં વધુ સફળ થવા દીધા ન હતા.ન્યૂઝીલેન્ડ માટે જેમિસને ત્રણ અને ટિમ સાઉધીએ એક વિકેટ ઝડપી હતી.