
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગ ટેસ્ટના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેનાથી સાઉથ આફ્રિકાને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં કગિસો રબાડા, માર્કો યાનસન અને લુંગી એન્ગિડીએ 3-3 વિકેટ લીધી હતી.
ત્રીજા દિવસે ઈન્ડિયન ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ લગભગ 75 મિનિટ સુધી બેટિંગ કરી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. પરંતુ ત્યારપછી 29 રન કરવામાં ઈન્ડિયન ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન શાર્દૂલ ઠાકુર (28 રન), રવિચંદ્રન અશ્વિન (16 રન) અને હનુમા વિહારી (40* રન)એ ટીમ ઈન્ડિયાને 266 રનના સ્કોર સુધી પહોંચાડી હતી.
ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની અડધી સદી તથા હનુમા વિહારી અને શાર્દુલ ઠાકુરની મહત્વની ઈનિંગ્સની મદદથી ભારતે વાન્ડરર્સ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકા સામે 240 રનનો લક્ષ્યાંક મૂક્યો છે. ભારત હાલમાં ત્રણ ટેસ્ટની સીરિઝમાં 1-0થી આગળ છે. બોલર્સ માટે સ્વર્ગસમી પિચ પર બીજા દાવમાં ભારતીય ટીમ 266 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 27 રનની સરસાઈ મેળવી હતી જેના કારણે તેની સામે 240 રનનો લક્ષ્યાંક આવ્યો હતો
સાઉથ આફ્રિકાએ 27 રનની સરસાઈ મેળવી હતી પરંતુ બીજા દાવમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 44 રનના સ્કોર પર ટીમે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીને ગુમાવી દીધી હતી. સુકાની રાહુલે 8 રન નોંધાવ્યા હતા જ્યારે મયંક અગ્રવાલ 23 રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં કંગાળ ફોર્મમાં રમી રહેલા બે અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ બાજી સંભાળી હતી.
પૂજારા અને રહાણે બોલર્સને મદદરૂપ પિચ પર ભારતીય ઈનિંગ્સને સંભાળી હતી. પ્રથમ બે દિવસમાં જ બંને ટીમોનો પ્રથમ દાવ પૂરો થઈ ગયો હતો અને પિચ બેટર્સ માટે મુશ્કેલ હતી. પૂજારાએ તેમાં આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. ત્રીજા દિવસે બુધવારે બંને બેટર્સ પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ અડધી સદી નોંધાવ્યા બાદ બંને આઉટ થઈ ગયા હતા. પૂજારાએ 86 બોલમાં 10 ચોગ્ગા સાથે 53 રન ફટકાર્યા હતા જ્યારે રહાણેએ 78 બોલમાં 58 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં 8 ચોગ્ગા સામેલ હતા.
પૂજારા અને રહાણે આઉટ થયા બાદ ભારતે વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત અને રવિચંદ્રન અશ્વિનની વિકેટો પણ ઝડપથી ગુમાવી દીધી હતી. પંત ત્રણ બોલ રમ્યો હતો અને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે અશ્વિને 14 બોલમાં બે ચોગ્ગા સાથે 16 રન ફટકાર્યા હતા. બાદમાં હનુમા વિહારી અને શાર્દુલ ઠાકુરે સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું.
શાર્દુલ ઠાકુર આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો. ઠાકુરે 24 બોલમાં 28 રન ફટકાર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. જ્યારે હનુમા વિહારી અંત સુધી અણનમ રહ્યો હતો. વિહારીએ 84 બોલમાં છ ચોગ્ગાની મદદથી અણનમ 40 રનની ઈનિંગ્સ રમી હતી.













