ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇમાં રમાઇ રહેલી મેચની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરેલી એરિયલ ઇમેજ (PTI Photo)

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં રવિવારે બીજી દિવસે ભારતીય સ્પિન બોલિંગના તરખાટ સામે ઈંગ્લેન્ડનું બેટિંગ ધરાશાયી થઈ ગઈ હતી અને પહેલી ઈનિંગ્સમાં 134 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ભારતીય ટીમને પ્રથમ ઈનિંગ્સમાં 195 રનની લીડ મળી હતી, કારણ કે ભારતે પ્રથમ ઇનિંગમાં 329 રન કર્યા હતા.

બીજા દિવસના અંતે બીજી ઇનિંગમાં ભારતે એક વિકેટે 54 રન નોંધાવ્યા હતા. દિવસના અંતે રોહિત શર્મા 25 અને ચેતેશ્વર પૂજારા 7 રને રમતમાં છે. હાલમાં ભારતે 249 રનની સરસાઈ મેળવી લીધી છે. બીજા દાવમાં ભારતે શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધી છે. ગિલ 14 રન નોંધાવીને આઉટ થયો હતો.

ભારત માટે રવિચંદ્રન અશ્વિને 43 રન આપીને 5 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલે 40 રન આપીને 2 વિકેટ અને ઈશાંત શર્માએ22 રન આપીને 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 5 રન આપીને 1 સફળતા મેળવી હતી. ઈંગ્લેન્ડ માટે બેન ફ્લોક્સે 42 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. જ્યારે ઓલી પોપે 22 તથા બેન સ્ટોક્સે 18 રન બનાવ્યા હતા. પહેલી ટેસ્ટના હિરો જો રૂટ માત્ર 6 રન બનાવીને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો.

બીજી દિવસની રમતની શરૂઆત ભારતીય ટીમે 6 વિકેટના નુકસાને 300 રનથી કરી હતી. જોકે ભારતની શરૂઆત સારી નહોતી રહી અને તમામ ખેલાડીઓ મળીને 29 રન જ વધારે ઉમેરી શક્યા હતા. જેમાં રિષભ પંતે 58 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે પહેલા દિવસની રમત દરમિયાન રોહિત શર્માએ 161 અને અજિંક્ય રહાણેએ 67 રનની ઈનિંગ્સ રમી હતી. આમ ભારતનો સ્કોર 95.5 ઓવરમાં 329 થયો હતો. આ ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ 1 ટેસ્ટ જીતીને સીરિઝમાં 1-0થી લીડ મેળવી ચૂકી છે.