70,000 પાઉન્ડની ખાંડના એક્સપોર્ટ ડીલના નાણાંની વસુલાત કરવા બાબતે લેસ્ટરના બિઝનેસમેન મિતેશ કોટેચાએ ખાંડનો સોદો કરવામાં મદદ કરનાર એક વ્યક્તિને ધમકી આપી હતી કે જો તે £20,000 નહીં આપે તો તારા પગ તોડી નાખીશ અને તારા ઘરને બોમ્બ વડે ઉડાવી દઇશ તેમજ ઢીંગલીની જેમ ફેંકી દઈશ અથવા “કારના બૂટમાં” બધુ સમાપ્ત થઈ જશે. ધમકીઓથી ગભરાયેલા વ્યક્તિ અને તેના પરિવારનુ જીવન હરામ થઇ ગયુ હતુ અને તેઓ બીજે રહેવા જતા રહ્યા હતા. મિતેશ કોટેચાએ કોર્ટમાં પોતાના ગુનાની કબુલાત કરી લેતા તેને 15 મહિનાની જેલની સજા કરાઈ છે, જે બે વર્ષ માટે સસ્પેન્ડ રહેશે અને ફરિયાદીને વળતર રૂપે £2,000 અને કાયદેસરની કાર્યવાહીના ખર્ચ પેટે £2,000 ચૂકવવા આદેશ આપ્યો હતો.
બનાવની વિગત એવી છે કે ભોગ બનેલી વ્યક્તિએ પોતાના કોન્ટેક્ટથી મુંબઇ રહેતા વેપારીનો પરિચય કરાવી એક્સપોર્ટ ડીલ કરવામાં મદદ કરી હતી અને £70,000ની ખાંડ મુંબઇથી કુર્દીસ્તાન મોકલવામાં આવી હતી. તે ખાંડના પૈસા મુંબઇના વેપારીને મળ્યા નહોતા. તેને પગલે લેસ્ટરના હેમ્બરસ્ટોન ખાતે આવેલા મોન્ટેરી કોર્ટમા રહેતા બિઝનેસમેન મિતેશ કોટેચાએ તે ખાંડના સોદાની રકમ ભોગ બનેલ વ્યક્તિ પાસે માંગવાનુ શરૂ કર્યુ હતુ.
કેસ ચલાવતા પ્રોસિક્યુટર ડેરેક જોહાશેને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં જણાવ્યું હતું કે ‘’39 વર્ષના કોટેચા ભારતમાં ખાંડના સપ્લાયરનો મિત્ર હતો અને તે ખોટી રીતે માનતો હતો કે ભોગ બનેલી વ્યક્તિએ નાણાંની ગેરંટી આપી છે. મિતેશ પહેલી વખત બે સાથીઓ સાથે ભોગ બનેલાને ઓડબીની એક કોફી શોપમાં મળ્યો તે વખતે મિતેશને સ્પષ્ટ જણાવાયું હતું કે તેણે આ સોદા માટે માત્ર મદદ કરી હતી અને તેણે કોઇ પૈસા ચૂકવવાના નથી. પરંતુ તે વખતે મિતેશ સાથેના બે જણાએ તેમને ધમકી આપી હતી કે જો તેણે મોં બંધ ન કર્યું તો તેને મુક્કો મારશે.
કોફી શોપની મીટીંગ પછી મિતેશે 48 કલાકની અંદર 20,000 પાઉન્ડ ચૂકવવા જણાવ્યુ હતુ. મિતેશે ફરિયાદીને 2017માં 18 અને 22 સપ્ટેમ્બરની વચ્ચે નાણાંની માંગણી કરી ધમકીઓ આપતા 12 ફોન કૉલ્સ કર્યા હતા અને કહ્યું હતું કે ‘અમે આ ઉઘરાણીનુ કામ જીવવા માટે જ કરીએ છીએ”. મિતેશે એવી પણ ધમકી આપી હતી કે ‘હું તમારા પત્ની, પુત્ર, માતા-પિતાને ઓળખું છું, હું તમારા વિશે ઘણી વસ્તુઓ જાણું છું અને મેં મારૂ હોમવર્ક કરી લીધુ છે તેમના પગ તૂટી જશે.’’
જોહાશેને જણાવ્યુ હતુ કે ‘’મિતેશનો ગર્ભિતાર્થ તેનુ અપહરણ કરવામાં આવશે તેમ કહેવાનો હતો. તે પછી કોટેચાએ 5,000 પાઉન્ડની માંગણી કરી હતી અને મારવાની ધમકી આપી હતી. 21 સપ્ટેમ્બર, 2017ના રોજ તેણે ફરિયાદીને બોલાવી વિગસ્ટનમાં તેના ઘરે જવા જણાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે મારા માણસો તેની રાહ જોતા બહાર ઉભા હશે અને નાણાં ચૂકવવાની આ “એક છેલ્લી તક” છે. મિતેશ કોટેચા તેનુ રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યુ હોવાનું લાગતા જાગૃત થઈ ગયો હતો પણ તેમ છતાં તેણે કહ્યું હતું કે ‘પોલીસ પાસે જાવ, મને પરવા નથી, અમે તમને નાદાર કરી દઇશું અને તમારા પર હુમલો કરીશું અને તું અપ્રમાણિક છેતરપિંડી કરનાર છે.’ કોટેચા તરફથી ડેનિયલ ઑસ્ક્રોફે કોર્ટમાં કહ્યું હતુ કે તેમનો ક્લાયંટ કાયદેસર રીતે “સફળ ઉદ્યોગપતિ” છે. અને ભારતના લોકોએ તેમના નાણાં ગુમાવી દીધા હોવાથી ઘણા તણાવમાં હતા. કોટેચાના પરિવારના સભ્યોએ ફરિયાદીની જણાવ્યું હતું કે તેમને લાગ્યું હતુ કે નાણાં છીનવી લેવા માટે તમે જવાબદાર છે. કોટેચાના પરિવાર અને મિત્રો ખૂબ જ તકલીફમાં હતા અને તેમણે ગેરમાર્ગે દોરાઇ વિચાર્યું હતુ કે તેઓ કેટલાક પૈસા વસૂલ કરી શકે છે.”