એલ એન મિત્તલના વડપણ હેઠળની આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડે રાજ્ય સરકારના સહયોગમાં ગુજરાતમાં કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે. આ પ્રસંગે આર્સેલરમિત્તલ ગ્રૂપના ચેરમેન એલ એન મિત્તલ વિડિયો કોન્ફરન્સ મારફત હાજર રહ્યા હતા. ફોટો સૌજન્યઃ ફેસબુક પેજ @vijayrupanibjp

એલ એન મિત્તલના વડપણ હેઠળની આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડે રાજ્ય સરકારના સહયોગમાં ગુજરાતમાં કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે. હજીરા ખાતેની 250 બેડના કોવિડ સેન્ટરનું મંગળવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉદ્ઘઘાટન કર્યું હતું. આ પ્રસંગે આર્સેલરમિત્તલ ગ્રૂપના ચેરમેન એલ એન મિત્તલ વિડિયો કોન્ફરન્સ મારફત હાજર રહ્યા હતા. ગયા સપ્તાહે આર્સેલરમિત્તલ-નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ગુજરાતમાં મેડિકલ ફેસિલિટી માટે દરરોજ 200 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનો સપ્લાય આપવાની જાહેરાત કરી હતી.

આ કોવિડ સેન્ટરના શુભારંભ વેળાએ વીડિયો કોન્ફરન્સિંગથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ઓર્સેલર મિત્તલ પરિવારે તેમના પ્લાન્ટમાં 250 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઓક્સિજનની તાકીદે જરૂરિયાત છે ત્યારે આર્સેલર મિત્તલે ઉમદા કાર્ય કર્યું છે. તેમણે લક્ષ્મી મિત્તલ અને આર્સેલર પરિવારના આ પગલાને આવકાર્યું હતું.

આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ હંગામી કોવિડ હોસ્પિટલની શુભારંભ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ કઝાકિસ્તાનથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. સહયોગી કંપની નિપ્પોન સ્ટીલના પ્રતિનિધિઓ જાપાનથી જોડાયા હતા. સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.