વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 10 જૂને ગુજરાતના નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાન દરમિયાન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું. (ANI Photo/ PIB)

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર (10 જૂન)એ દક્ષિણ ગુજરાતના નવસારીમાં વિશાળ જનમેદની સંબોધતા જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાતના આદિવાસી પટ્ટામાં પાણી માટે લોકો વલખા મારતા હતા, જ્યારે હવે તેમને નળથી જળ મળી રહ્યું છે. વલસાડના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પાણી પૂરું પાડતા એસ્ટોલ પ્રોજેક્ટનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગનો અદ્દભૂત નમૂનો છે.

2001થી આદિવાસી વિસ્તારોની કાયાપલટ શરુ થઈ હોવાનો દાવો કરતા કહ્યું હતું કે ભૂતકાળમાં આ વિસ્તારોમાં સાયન્સની સ્કૂલો નહોતી, જ્યારે આજે અહીં એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજો પણ શરુ થઈ ગઈ છે.

વિરોધીઓને નિશાન બનાવતા મોદીએ કહ્યું હતું કે, આઝાદી બાદ જે લોકોએ સૌથી વધુ સમય સરકાર ચલાવી તેમણે વિકાસને પોતાની પ્રાથમિકતા ન બનાવી, તેની જે વર્ગને સૌથી વધુ જરુર હતી ત્યાં તેમણે વિકાસ કર્યો જ નહીં કારણકે આવા કામ કરવા વધારે મહેનત કરવી પડે છે. આદિવાસી ક્ષેત્રના ગામ રસ્તાથી વંચિત હતા, પરંતુ આજે છેલ્લા આઠ વર્ષમાં જે લોકોને રહેવા માટે મકાન, પીવા માટે સ્વચ્છ પાણી તેમજ અન્ય સવલતો મળી તેનો સૌથી વધુ લાભ આદિવાસીઓને મળ્યો છે. એટલું જ નહીં, કોરોનાની વેક્સિન પણ આજે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પણ મળી ચૂકી છે.

મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક સમયે આ જ વિસ્તારના એક એવા મુખ્યપ્રધાન હતા કે તેમના પોતાના ગામમાં પાણીની ટાંકી નહોતી, હેન્ડપંપ પણ એક-દોઢ વર્ષે પૂરા થઈ જતા હતા. ભૂતકાળની સરકારોની ટીકા કરતાં મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભૂતકાળમાં એક સીએમે જામનગરમાં પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું તેના સમાચાર છાપામાં પહેલા પાને છપાયા હતા. તેવા દિવસો જોનારા ગુજરાતમાં આજે ત્રણ હજાર કરોડના કામોનું લોકાર્પણ કે ખાતમૂહુર્ત થઈ રહ્યા છે. ચૂંટણી ટાણે સરકાર કામો બતાવી રહી છે તેવું કહેનારા લોકોને જવાબ મોદીએ આપતા કહ્યું હતું કે, મારા કાર્યકાળનું એક અઠવાડિયું શોધી લાવે કે જેમાં મેં વિકાસનું એક નવું કામ ના કર્યું હોય. અમારે મન સત્તા પર બેસવું સેવા કરવાનો અવસર છે. જે કામના ખાતમૂહુર્ત અમે કર્યા છે, તેના ઉદ્ઘાટન પણ અમે જ કર્યા છે.