વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે ગુજરાતમાં 7,100 રામ મંદિરોમાં આરતી અને રામધૂન થશે અને 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરાવવામાં આવશે. ભાજપની કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત પુસ્તકો અને વડાપ્રધાન દ્વારા લખવામાં આવેલા પુસ્તકોનું એક પ્રદર્શન પણ યોજવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતના લાડલા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસના સંદર્ભમાં 17 સપ્ટેમ્બરના રોજ 7100 ગામોમાં રામજી મંદિરોમાં આરતી અને રામધૂન કરવામાં આવશે. આ દિવસે ભાજપ જરૂરિયાતમંદ 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરાવશે.
વડાપ્રધાન મોદી અંગે ગુજરાતમાં અને દેશમાં અનેક ડઝન પુસ્તકો લખવા અને પ્રકાશિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ અનેક વિષયો અંગે લેખન કર્યું છે. આ તમામ પુસ્તકો નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે આયોજિત ગુજરાત ભાજપની 3 દિવસીય કારોબારીમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદેશ કારોબારી સભા ખંડ અને ટેન્ટ સિટી પાસે બનાવવામાં આવેલી આ ગેલેરી ભાજપના નેતાઓના આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર બની છે.

            












