ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન વચ્ચે જાપાનમાં ક્વાડ સમીટ દરમિયાન મંગળવાર (24 મે) દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. . (ANI Photo/PIB)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન વચ્ચે જાપાનમાં ક્વાડ સમીટ દરમિયાન મંગળવાર (24 મે) દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશોના વડાંએ ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ અને આર્થિક સંબંધોને ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ વધુ સમૃદ્ધ, મુક્ત અને સુરક્ષિત વિશ્વ માટે સાથે મળીને કામ કરવાની પણ કટિબદ્ધતા આપી હતી.

બાઇન સાથેની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો ખરેખર વિશ્વાસની ભાગીદારી છે અને આ મિત્રતા વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ચાલુ રહેશે.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બાઇડને .યુક્રેન સામેના રશિયાના ગેરવાજબી યુદ્ધની નિંદા કરી હતી. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધથી ઊભી થયેલી સ્થિતિ અને ખાસ કરીને એનર્જી અને ફૂડના ભાવથી બંને દેશો અને વિશ્વના નાગરિકોને કેવી રીતે રક્ષણ આપવું તેની ચર્ચા કરી હતી. બંને નેતાઓ ડિફેન્સ પાર્ટનરશીપને ગાઢ બનવવાની, બંને દેશોને લાભ થાય તેવી આર્થિક જોડાણને પ્રોત્સાહન આપવાની તથા વૈશ્વિક આરોગ્ય, મહામારીની તૈયારી અને ઉભરતી ટેકનોલોજીમાં ભાગીદારી વિસ્તૃત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- મને વિશ્વાસ છે કે આપણી વચ્ચે ઈન્ડિયા-USA ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટથી રોકાણના ક્ષેત્રમાં વધારો જોવા મળશે. બાઈડને કહ્યું કે બંને દેશ ભેગા થઈને ઘણું બધુ કરી શકે છે અને હજી પણ કરશે. હું અમેરિકા-ભારતની પાર્ટનરશીપને હજી પણ વધુ મજબુત બનાવવા માટે પ્રતિબદ્ધ છું.

મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ

(ANI Photo/Arindam Bagchi twitter)

ભારતના વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થની આલ્બેનીઝ સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી અને બંને નેતાઓએ આ બેઠકમાં પરસ્પરના હિતના મુદ્દાની ચર્ચાવિચારણા કરી હતી. આલ્બેનિઝની પ્રશંસા કરતાં મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના હોદ્દા માટે શપથ લીધાના 24 કલાક પછી આ સમીટમાં તેમની હાજરી ક્વાડ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.