વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમીટ દરમિયાન એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. (ANI Photo/PIB)

વડાપ્રધાન મોદીએ તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન 20 એપ્રિલે દાહોદને રેલવે એન્જિન પ્લાન્ટ સહિત રૂ.21,809 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મોદીએ રૂ.1,259.64 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને રૂ.20,550.15 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ જનકલ્યાણના વિવિધ કાર્યક્રમોમાં આરોગ્ય, આવાસ, વીજળી, રોજગારી, સલામતી, સ્કીલ ડેવલપમેન્ટ, જળસંચય, રોડની સુવિધા સહિતની પાયાની સવિધાઓ દાહોદને મળે તે માટેના વિવિધ પ્રોજેક્ટ્સ ખુલ્લા મુક્યા હતા. સ્માર્ટસિટી જેવા મહાનગરોને મળતી સુવિધાઓ દાહોદને મળશે. આઈસીસીસી-આઈટી પ્રોજેક્ટ દાહોદ નગરને સ્માર્ટસિટી તરીકે એક નવા વિકાસમાર્ગ પર લઈ જશે.

આ સાથે મેગા પ્રોજેક્ટ હાફેશ્વર યોજના દ્વારા આદિજાતિ બહુલ વસ્તી ધરાવતા 343 ગામો તેમજ બે નગરોની 12.48 લાખની વસ્તીની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવ્યું છે. દાહોદમાં ભારતીય રેલવે દ્વારા ઉભો કરવામાં આવનારા 9 હજાર હોર્સ પાવરની ઈલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સિવાય ઝાલોદ દક્ષિણ જૂથ પાણી પુરવઠા યોજના પાછળ 94.55 કરોડના ખર્ચ કરવામાં આવ્યો છે, જેનો પણ આજે શુભારંભ કરવામાં આવ્યો હતો.