Modi inaugurated the 'Atal' foot over bridge over the Sabarmati river
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર 27 ઓગસ્ટે અમદાવાદમાં સાબરમતી નદી રિવરફ્રન્ટ ખાતે રૂ.74 કરોડના ખર્ચે બનાવાયેલા આઇકોનિક અટલ બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું. (ANI Photo/PIB)

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર 27 ઓગસ્ટે અમદાવાદમાં સાબરમતી નદી રિવરફ્રન્ટ ખાતે રૂ.74 કરોડના ખર્ચે બનાવાયેલા આઇકોનિક અટલ બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું. મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વગેરે સાથે રંગબેરંગી રોશનીથી સજાવેલા અટલ બ્રિજની લટાર પણ મારી હતી.

ફૂટ ઓવર બ્રિજનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આકર્ષક ડિઝાઇન અને LED લાઇટિંગથી સજ્જ, આ પુલ લગભગ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે અને તે રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે આવેલા ફૂલ બગીચાને અને પૂર્વ છેડે કલા અને સંસ્કૃતિ કેન્દ્રને જોડે છે. રાહદારીઓ ઉપરાંત સાઇકલ સવારો પણ નદી પાર કરવા માટે આ પુલનો ઉપયોગ કરી શકશે. આ પુલના નિર્માણમાં 2,600 મેટ્રિક ટન સ્ટીલ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને રેલિંગ કાચ અને સ્ટીલની બનેલી છે.

આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે અટલ બ્રિજ સાબરમતીના બે કિનારાને માત્ર જોડતો જ નથી, પણ તે ડિઝાઇન અને ઇનોવેશનની દૃષ્ટિએ પણ અભૂતપૂર્વ છે. તેની ડિઝાઇનમાં પતંગોત્સવને ધ્યાનમાં રખાયો છે. ગુજરાતને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી માટે વિશિષ્ટ સ્નેહ હોવાનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે ૧૯૯૬માં વાજપેયી ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને મતદારોએ તેમને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા. અટલ બ્રિજ તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ છે.

તેમણે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટે ગુજરાતમાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઇને લોકોએ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. લોકોએ તિરંગા રેલી કાઢી હતી અને વિકસિત ભારતના નિર્માણનો લોકોએ સંકલ્પ કર્યો હતો.