Modi will launch the second and third phase of Sauni Yojana

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી રાજ્યના જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં નર્મદાના પાણી પહોંચશે. રાજયમાં સૌની યોજનાનો પ્રારંભ મોદીએ કર્યો હતો અને આ યોજનાનો મૂળ ઉદ્દેશ નર્મદાના પૂરના વધારાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને ત્યાં પ્રવર્તતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે.  

સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5ના લોકાર્પણ થકી કુલ રૂ.314.69 કરોડના ખર્ચે 66 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 7 પંપ દ્વારા અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામ પાસે નિર્મિત ફીડર પંપિંગ સ્ટેશન ખાતે 4 પંપ દ્વારા જામનગર જિલ્લાના 5 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 એમ કુલ 10 જળાશયો પાણીથી છલકાશે.  

આ પૈકી જામનગર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 એમ કુલ 5 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે. જેનાથી જામનગર જિલ્લાના લાલપુર અને જામનગર તાલુકાના અંદાજિત 32 ગામોના 21,061 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અંદાજિત 23 ગામોના 10,782 એકર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. તેનાથી એકંદરે 65,000થી પણ વધુ લોકોને ફાયદો થશે અને આસપાસના કુલ 31,843 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળતા હરિયાળી સમૃદ્ધિના પગરણ મંડાશે.  

સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લિંક-3ના પેકેજ-7ના લોકાર્પણ થકી કુલ રૂ.729.15 કરોડના ખર્ચે 104.160 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 5 પંપ દ્વારા જામનગર જિલ્લાના 4, રાજકોટ જિલ્લાના 2, પોરબંદર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકાના 3 એમ કુલ 11 જળાશયો પાણીથી છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના 2, રાજકોટ જિલ્લાના 2, પોરબંદરના 1 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1 એમ કુલ 6 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે. 

 

 

LEAVE A REPLY

9 + fourteen =