વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 જૂન 2016એ હાઉસ ચેમ્બરમાં યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું ત્યારનો ફાઇલ ફોટો (Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકાના પ્રભાવશાળી ઇન્ડિયા કોકસના  સહ-અધ્યક્ષોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાની સંસદના સંયુક્ત સત્રમાં સંબોધન કરવા આમંત્રણ આપવાનો હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થીને અનુરોધ કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે મોદી 22 જૂને અમેરિકાની યાત્રા પર જશે.

ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય-અમેરિકન સાંસદ રો ખન્ના અને રિપબ્લિકન પાર્ટીના સાંસદ માઈકલ વોલ્ટ્ઝે મેકકાર્થીને પત્ર લખીને જણાવ્યું છે કે 22 જૂને વડાપ્રધાન મોદી અમેરિકાની સત્તાવાર મુલાકાત આવી રહ્યાં છે અને પ્રેસિડન્ટ બાઇડને તેમના માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું છે. તેથી અમે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરવા વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવાની વિચારણા કરવા તમને અનુરોધ કરીએ છીએ. તેનાથી અમેરિકા અને ભારતની વ્યૂહાત્મક ભાગીદારી અને સહિયારા મૂલ્યોનું મહત્ત્વ ઉજાગર કરી શકાશે.

તેમણે જણાવ્યું છે કે રાત્રિભોજન અમેરિકાની સત્તાવાર મુલાકાતે આવતા કોઇ દેશના વડા માટે પ્રેસિડન્ટ બાઇડને આદર દર્શાવે છે. સંસદના સંયુક્ત સત્રને સંબોધન વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા અને 21મી સદીમાં ચીનનો સામનો કરવા માટે કદાચ સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર માટે સમાન સન્માન છે.

જો સ્પીકર મેકકાર્થી મોદીને સંબોધન માટે આમંત્રણ આપશે તો તે અમેરિકાની સંસદના  સંયુક્ત સત્રમાં મોદીનું બીજું સંબોધન હશે. અમેરિકાની સંસદના સંયુક્ત સત્રને બે વાર સંબોધન કરવારીની તક મળી હોય તેવા વિશ્વના ગણ્યાગાંઠ્યા નેતાઓમાં મોદીનું સમાવેશ થશે.

દરમિયાન વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં બાઇડન દ્વારા યોજવામાં આવનારા સત્તાવાર રાત્રિભોજનમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં લોકો વિનંતી કરી રહ્યાં છે, જે ઉત્સાહનું પ્રમાણ દર્શાવે છે. રાત્રિ ભોજન માટેના આમંત્રણ માટે ઇન્ડિયન અમેરિકનો, સાંસદો અને કોર્પોરેટ વડાઓ મોટી સંખ્યામાં વિનંતી કરી રહ્યાં તેવા પ્રશ્નના જવાબમાં વ્હાઉટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન જીન પીયરે જણાવ્યું હતું કે તે સારી બાબત છે. આ બાબત દર્શાવે છે કે ભારત સાથેની ભાગીદારીમા વધારો કરવો કેટલો મહત્ત્વપૂર્ણ છે. પ્રેસિડન્ટ અને ફર્સ્ટ લેડી વડાપ્રધાન મોદીની સત્તાવાર મુલાકાત માટે સ્વાગત કરવા આતુર છે,

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments