બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે વિશ્વના ધનવાનોની યાદી પ્રસિદ્ધ કરી છે. જેમાં સતત ત્રીજા વર્ષે એમેઝોનના જેફ બેઝોસ પ્રથમ નંબરે રહ્યા હતા. જેફ બેઝોસની સંપત્તિ ૧૧૩ બિલિયન ડોલર આંકવામાં આવી હતી. કોરોનાના કારણે ઘણાં ધનવાનોની સંપત્તિમાં ઘટાડો થયો છે. એ કારણે ૨૬૭ લોકો યાદીમાંથી બહાર થઈ ગયા છે.

ફોર્બ્સની ધનવાનોની યાદીમાં જેફ બેઝોસે ૧૧૩ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ટોચનો ક્રમ જાળવી રાખ્યો છે. છૂટાછેડાના ભાગરૂપે જેફ બેઝોસે પૂર્વ પત્ની મેકેન્ઝી બેઝોસને જે સંપત્તિ આપી હતી તેના કારણે મેકેન્ઝી પહેલી વખત ફોર્બ્સની યાદીમાં ૨૨મા ક્રમે રહી હતી.

૯.૮ બિલિયન ડોલરની સંપત્તિ સાથે બિલ ગેટ્સ બીજા ક્રમે રહ્યા હતા. બરનાર્ડ આર્લોન્ડ ત્રીજા ક્રમે પહોંચી ગયા હતા. વોરેન બફેટ ત્રીજા ક્રમેથી ચોથા ક્રમે ખસેડાયા હતા. કોરોનાના કારણે દુનિયાભરના ધનવાનોની સંપત્તિમાં ધોવાણ થયું છે. એના કારણે ૨૦૨૦ની યાદીમાંથી ૨૬૭ ધનવાનો બહાર થઈ ગયા હતા.

બધા ધનવાનોની કુલ સંપત્તિ ૮ ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો. ૧૦૬૨ ધનકુબેરોની સંપત્તિમાં ઘટાડો નોંધાયો હતો. યાદીમાં ૨૪૧ મહિલાઓ છે.દુનિયાના ધનવાનોની યાદીમાં ભારતના મુકેશ અંબાણી ૪૪.૩ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ૧૭મા ક્રમે રહ્યા હતા. ભારતના ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી સૌથી આગળ હતા. ડીમાર્ટના સ્થાપક રાધાક્રૂષ્ણ દામાણી ૧૬.૬ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ૬૫મા ક્રમે હતા.

શિવ નાદર ભારતના ત્રીજા એવા ઉદ્યોગપતિ હતા જેમને આ યાદીમાં ૧૧૪મા ક્રમે સ્થાન મળ્યું હતું. તેમની સંપત્તિ ૧૨.૪ બિલિયન ડોલર હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો. એ પછી હિન્દુજા બ્રધર્સ ૧૨.૨ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ૧૧૬મા ક્રમે હતા. ઉદય કોટક ૧૦.૭ બિલિયન ડોલર સાથે ૧૩૮માં ક્રમે રહ્યા હતા.