મુંબઈમાં ભારે વરસાદને પગલે મંગળવાર, 5 જુલાઈએ રસ્તા પર પાણી ભરાયા હતા. (PTI Photo/Kunal Patil)

મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં સોમવારની સાંજથી સતત ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાયન, અંધેરી, ઘાટકોપર, ચેમ્બુર, ધારાવી, દાદર, વડાલા અને પનવેલ જેવા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા હતા. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સર્વિસને પણ અસર થઈ હતી. રેલવે ટ્રેક પર પાણી ભરાયા હતા. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ અને નજીકના જિલ્લામાં સત્તાવાળાને એલર્ટ પર રહેવાની સૂચના આપી હતી.

મુંબઈમાં મંગળવાર સવારે આઠ વાગ્યા સુધીના 24 કલાકમાં સરેરાશ 95.81 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે મુંબઈ શહેર માટે વરસાદની ચેતવણી અપગ્રેડ કરી છે. મુંબઈમાં અગાઉ યલો એલર્ટ અપાયો હતો જ્યારે કોંકણના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ અપાયો હતો.

તેના કારણે વાહન વ્યવહાર અને રેલવે સેવાઓ પર માઠી અસર થઈ શકે છે. મુંબઈગરાઓને આ દિવસો દરમિયાન સાવચેત રહેવા જણાવાયું છે. ભારે વરસાદ વચ્ચે મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ સંબંધી દુર્ધટનાઓનો સિલસિલો ચાલુ રહ્યો છે. વિક્રોલીમાં એક દિવાલ ધસી પડી હતી જોકે, આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી. થાણેમાં લુઇસવાડી વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થતાં તેના હેઠળ પાર્ક કરાયેલી કારને નુકસાન થયું હતું. થાણે નજીક કલ્યાણના હનુમાન નગરમાં એક ટેકરી પરથી શીલાઓ ધસી પડી હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. વડાલા વિસ્તારના મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં ટ્રાફિક પર અસર થઈ હતી.

મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલ છે. રાયગઢ અને કોંકણની કેટલીક નદીઓ ભયજનક સપાટીએ પહોંચતાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તંત્રને એલર્ટ કર્યું છે. અમરાવતીમાં પણ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે.