ભારત સામેની પાંચમી ટેસ્ટમાં વિજય બાદ જોની બેયરસ્ટો અને જો રૂટ Action Images via Reuters/Jason Cairnduff\\

ઇંગ્લેન્ડે બર્મિંગહામ ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં પાંચમાં દિવસે વિક્રમજનક લક્ષ્યાંક હાંસલ કરીને ભારતને મંગળવાર (5 જુલાઈ)એ સાત વિકેટે પરાજય આપ્યો હતો. જો રૂટ અને જોની બેયરસ્ટો વચ્ચેની 269 રનની અણનમ ભાગીદારીને પગલે ઇંગ્લેન્ડે ચોથી ઇનિંગમાં 378 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

ઇંગ્લેન્ડે અત્યાર સુધી સૌ પ્રથમ વખત 378 રનનો ટાર્ગેટ હાંસલને ટેસ્ટ મેચ જીતી છે. બીજી તરફ અત્યાર સુધી ભારત સામે કોઇપણ ટીમ આટલો મોટો ટાર્ગેટ હાંસલ કરીને મેચ જીતી શકી નથી. ટેસ્ટના ચોથા દિવસે ભારતે મેચ જીતવા માટે ઇંગ્લેન્ડને 378 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શાનદાર ફોર્મને કારણે જો રૂટ (142) અને જોની બેયરસ્ટો (114) વચ્ચે ચોથી વિકેટ માટે 269 રનની ભાગીદારીથી ઈંગ્લેન્ડે 378 રનના ટાર્ગેટને ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ સાથે જ પાંચ ટેસ્ટની સીરીઝ 2-2થી ડ્રોમાં પરિણમી હતી.

પાંચમી ટેસ્ટમાં ત્રણ દિવસ સુધી ભારતનું પલ્લું ભારે લાગી રહ્યું હતું, પરંતુ ચોથા દિવસે બાજી પલટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 245 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને જીત માટે 378 રનનો ટાર્ગેટ મળ્યો છે. શરૂઆતમાં લાગતું હતું કે ટાર્ગેટ મોટો છે, પણ જે રીતે ઈંગ્લેન્ડના ઓપનરોએ મજબૂત શરૂઆત કરીને વિજયનો પાયો નાંખ્યો હતો. એલેક્સ લીસ અને જેક ક્રોલીએ પ્રથમ વિકેટે 107 રનની ભાગીદારી કરી હતી. એલેક્સ લીસે 65 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 56 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ક્રાઉલીએ 76 બોલમાં સાત ચોગ્ગા સાથે 46 રનની ઈનિંગ્સ રમી હતી. ઓલી પોપ ખાતું ખોલાવી શક્યો ન હતો અને 2 રનમાં ત્રણ બેટ્સમેન આઉટ થયા, ત્યારે એવું લાગતું હતું કે ભારત આ મેચમાં પુનરામન કરશે, પરંતુ જોની બેયરસ્ટો અને જો રૂટે મેચને ઈંગ્લેન્ડ તરફી કરી હતી.

છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને જીત માટે 119 રન જોઈતા હતા અને તેની પાસે સાત વિકેટ હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ 1977માં ટીમ ઈન્ડિયા સામે 339 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.ભારતનું ઈંગ્લેન્ડમાં 15 વર્ષ પછી ટેસ્ટ સીરીઝ જીતવાનું સપનું તૂટી ગયું છે.ભારતે પ્રથમ દાવમાં 416 રન નોંધાવીને સરસાઈ મેળવી હતી પરંતુ બીજા દાવમાં જસપ્રિત બુમરાહની આગેવાનીવાળી ટીમ 245 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી.

ભારતની ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરિઝ માટે 2021માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે 151 રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ સાથે ભારતે 1-0ની સરસાઈ મેળવી હતી. જોકે, લીડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે એક ઈનિંગ્સ અને 76 રને વિજય નોંધાવીને સીરિઝ 1-1થી બરાબરી પર લાવી દીધી હતી. જોકે, ચોથી લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતે વળતો પ્રહાર કર્યો હતો અને 157 રને મેચ જીતીને 2-1ની સરસાઈ મેળવી હતી. 10 સપ્ટેમ્બર 2021થી માન્ચેસ્ટરમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ રમાવાની હતી, પરંતુ કોરોનાના કારણે મેચ મુલતવી રાખવામાં આવી હતી. જે ભારતના 2022ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રાખવામાં આવી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે વિજય નોંધાવીને સીરિઝ 2-2થી ડ્રો કરાવી છે.