અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચૂંટણી ઝુંબેશના મુખ્ય ફાઇનાન્સર ઇલોન મસ્ક વચ્ચેના વિખવાદે શનિવાર, 5 જુલાઈએ નવો વળાંક આવ્યો હતો. બિલિયોનેર ઉદ્યોગપતિ મસ્ક એક નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ટ્રમ્પનું બિગ, બ્યુટીફૂલ ટેક્સ બિલ અમેરિકાને નાદાર કરશે.
અમેરિકામાં નવો રાજકીય પક્ષ બનાવવો જોઇએ કે નહીં તે અંગે X પ્લેટફોર્મ પર તેમના ફોલોઅર્સના અભિપ્રાય મેળવ્યા પછી મસ્કે શનિવારે એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે આજે, અમેરિકા પાર્ટીની રચના કરવામાં આવે છે, જે તમને તમારી સ્વતંત્રતા પાછી આપશે.
શુક્રવારે ટ્રમ્પે તેમના એક મોટા સમારંભમાં વિવાદાસ્પદ બિલમાં હસ્તાક્ષર કર્યા પછી મસ્ક આ જાહેરાત કરી હતી. ટેસ્લા કાર કંપની અને સ્પેસએક્સ સેટેલાઇટ કંપનીને કારણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનેલા મસ્કે ચૂંટણીમાં ટ્રમ્પને જંગી નાણાકીય સહાય કરી હતી. મસ્કે તેમના સરકારના ખર્ચમાં કાપ મૂકવા માટે એક વિભાગના વડા પણ બનાવ્યાં હતાં.
મસ્કે અગાઉ કહ્યું હતું કે તેઓ એક નવો રાજકીય પક્ષ શરૂ કરશે અને બિલને ટેકો આપનારા સાંસદોને હોદ્દા પરથી દૂર કરવા માટે પૈસા ખર્ચ કરશે. ટ્રમ્પે આ અઠવાડિયાની શરૂઆતમાં મસ્કની કંપનીઓને ફેડરલ સરકાર તરફથી મળતી અબજો ડોલરની સબસિડી બંધ કરવાની અને મસ્કને આફ્રિકા પરત મોકલી દેવાની ધમકી આપી હતી.
રિપબ્લિકનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના ઝઘડાથી 2026ની મધ્યસત્ર કોંગ્રેસની ચૂંટણીમાં પક્ષ માટે બહુમતી જાળવી રાખવાનું મુશ્કેલ બની શકે છે. મસ્ક વિશ્વના સૌથી ધનિક છે, પરંતુ અમેરિકામાં વર્ષોથી માત્ર બે પક્ષોનું વર્ચસ્વ છે. રિપબ્લિકન-ડેમોક્રેટિક આશરે 160 વર્ષથી અમેરિકાના રાજકારણમાં પ્રભુત્વ ધરાવે છે.
