ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ અને વિશ્વના સૌથી ધનિક એલન મસ્કે ટ્વીટરનો સોદો રદ કરવાની જાહેરાત કરી છે. મસ્કના જણાવ્યા પ્રમાણે તેઓ ટ્વીટર ખરીદવા માટેની 44 બિલિયન ડોલરના સોદાને રદ કરી રહ્યા છે. મસ્ક દ્વારા એવો આરોપ મુકવામાં આવ્યો છે કે, કંપની પોતાના પ્લેટફોર્મ્સ પરના બોગસ એકાઉન્ટ્સ અંગેની માહિતી આપવામાં નિષ્ફળ રહી છે.
જોકે ટ્વીટર બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરના જણાવ્યા મુજબ એલન મસ્ક તથા ટ્વીટર વચ્ચે જે સમજૂતી થઈ હતી તેનો અમલ કરવા માટે તેઓ કોર્ટની મદદ લેશે. ટેલરે જણાવ્યું કે, કંપની કોઈપણ સંજોગોમાં આ સોદો કરવા ઈચ્છે છે અને તેના માટે હવે કાયદાની મદદ લેશે. ટેસ્લાના એલન મસ્કે શુક્રવારે ટ્વીટરને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ‘તેઓ આ મર્જર અંગેના સોદાને રદ કરી રહ્યા છે, કારણ કે, ટ્વીટર દ્વારા તે અંગેના કરારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેણે અનેક જોગવાઈઓનું પાલન નથી કર્યું. મસ્ક બે મહિનાથી જે માહિતી માગી રહ્યા છે તેને ટ્વીટર દ્વારા આપવામાં આવી નથી.’ બીજી તરફ કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલે ભારપૂર્વક જણાવ્યું છે કે, કંપની તે સોદાને પૂર્ણ કરવા ઈચ્છે છે.
મસ્કના પત્રના જવાબમાં ટેલરે ટ્વીટ કર્યું હતું કે, ‘ટ્વિટર બોર્ડ, એલન મસ્ક સાથે સહમત કિંમત અને શરતો પર સોદો કરવા માટે કટિબદ્ધ છે. આ કરારને પૂરો કરવા માટે કંપની કાયદાકીય કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે. અમને વિશ્વાસ છે કે, અમે ડેલાવેર કોર્ટ જીત વિજય મેળવીશું.’
મસ્કના કહેવા પ્રમાણે જો કંપની ડેઈલી એક્ટિવ યુઝર્સમાં 5 ટકાથી ઓછા સ્પામ એકાઉન્ટ છે તે દર્શાવવામાં નિષ્ફળ રહેશે તો તેઓ સોદો રદ કરશે. મસ્કે પુરાવા દર્શાવ્યા વગર જ કહ્યું હતું કે, ટ્વીટર આ પ્રકારના સ્પામ બોટ્સની સંખ્યાને ખૂબ જ ઘટાડીને ગણાવી રહ્યું છે જ્યારે તે આંકડો 20 ટકાથી પણ વધારે હોઈ શકે છે.