28 ફેબ્રુઆરી 2016ના આ ફાઇલ ફોટોમાં બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર શ્રવણ રાઠોડ (ડાબી બાજુ) અને ગીતકાર યોગેશ ગૌર દેખાય છે. મુંબઈમાં રવિન્દ્ર જૈન એકેડમી એવોર્ડ સમારંભ દરમિયાનનો આ ફોટોગ્રાફ છે. (Photo by STRDEL/AFP via Getty Images)

બોલિવૂડની નદીમ-શ્રવણની લોકપ્રિય સંગીતકારની જોડીના શ્રણવ કુમાર રાઠોડનું ગુરૂવારે કોવિડ-19થી નિધન થયું હતું. તેમની ઉંમર 66 વર્ષ હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દિગ્ગજ સંગીતકાર શ્રવણ રાઠોડ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગુરૂવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ મુંબઈના માહિમની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શ્રવણ રાઠોડનું યોગદાન ખૂબ મોટું છે. તેમણે પોતાના સાથી નદીમ અખ્તર સૈફી સાથે મળીને બોલિવુડને અનેક શ્રેષ્ઠ ગીતો આપ્યા છે. જો કે, હવે આ જોડી તૂટી ગઈ છે અને શ્રવણના મૃત્યુને લઈ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોક છવાયો હતો.

થોડા સમય પહેલા શ્રવણ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના દીકરા અને પત્ની પણ કોરોના સંક્રમિત આવ્યા હતા. બાદમાં પરિવારને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને શ્રવણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમનો પરિવાર તેમની જોડે નહોતો રહી શક્યો. શ્રવણ રાઠોડને સંજીવ અને દર્શન નામના બે દીકરાઓ છે જે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક જોડી તરીકે કામ કરે છે.

નદીમે શ્રવણના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘મારો શાનુ હવે નથી રહ્યો. અમે બંનેએ એક આખી જિંદગી સાથે જોઈ છે. અમે ઉંચાઈઓ જોઈ છે અને સાથે જ નીચે પડ્યા છીએ. અમે અનેક રીતે સાથે જ મોટા થયા છે. અમે કદી વાત કરવાનું બંધ ન કરેલું અને કોઈ દૂરી અમને બંનેને દૂર ન કરી શકેલી. મને એ કહેતા ખૂબ દુઃખ થાય છે કે, મારો મિત્ર, મારો સાથી, મારો પાર્ટનર, જે અનેક વર્ષથી મારા સાથે હતો તે હવે નથી રહ્યો. મેં તેના દીકરા સાથે વાત કરી જે ખૂબ જ દુઃખી છે.’

લોકપ્રિય સિંગર રૂપકુમાર રાઠોડ અને વિનોદ રાઠોડ એ શ્રવણના ભાઈઓ છે. રૂપકુમારની દીકરી સીમા પણ સિંગર છે.
1990ના દાયકામાં નદીમ-શ્રવણની જોડી ઘણી જ લોકપ્રિય બની હતી. તેમણે ઘણી ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું છે. 1990ના દાયકામાં આશિકી, સાજન, પરદેશથી લઈને રાજા હિંદુસ્તાની જેવી ફિલ્મોનું સંગીત સામેલ છે. આ ઉપરાંત બંનેએ સાથી મળીને કેટલાક આલ્બમ પણ આપ્યા હતા.