Indian businessman Mukesh Ambani, buy Liverpool club
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) REUTERS/Amit Dave/File Photo

ભારતના અબજોપતિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 57 મિલિયન પાઉન્ડ (આશરે રૂ.592 કરોડ)માં બ્રિટનની આઇકોનિક કંટ્રી ક્લબ એન્ડ લક્ઝરી ગોલ્ફ રિસોર્ટ સ્ટોક પાર્ક લિમિટેડને હસ્તગત કરી છે. સ્ટોક પાર્કમાં જેમ્સ બોન્ડની બે ફિલ્મોનું શુટિંગ થયેલું છે.

છેલ્લાં ચાર વર્ષમાં રિલાયન્સ 3.3 બિલિયન ડોલરના એક્વિઝિશનની જાહેરાત કરેલી છે. આમાંથી 14 ટકા રિટેલ ક્ષેત્રમાં, 80 ટકા ટેકનોલોજી, મીડિયા અને ટેલિકોમમાં તથા છ ટકા એનર્જી સેક્ટરના છે.

કંપનીએ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે બકિંગહેમશાયરમાં હોટેલ અને ગોલ્ફ કોર્સની માલિકી ધરાવતી યુકે સ્થિતિ આ કંપની રિલાયન્સની કન્ઝ્યુમર એન્ડ હોસ્પિટાલિટી એસેટમાં ઉમેરો કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટસ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ RIIHL)એ 57 મિલિયન પાઉન્ડમાં યુકેમાં સ્થપાયેલી કંપની સ્ટોક પાર્ક લિમિટેડની સંપૂર્ણ શેરમૂડીની 22 એપ્રિલ 2021ના રોજ ખરીદી કરી છે.

સ્ટોક પાર્ક બકિંગહેમશાયરમાં સ્પોર્ટિંગ એન્ડ લીઝર ફેસિલિટીની માલિકી ધરાવે છે અને સંચાલન કરે છે. આ ફેસિલિટીમાં હોટેલ, કોન્ફરન્સ ફેસિલિટી, સ્પોર્ટસ ફેસિલિટી તથા યુરોપમાં ઊંચું રેટિંગ ધરાવતા ગોલ્ફ કોર્સનો સમાવેશ થાય છે. રિલાયન્સે જણાવ્યું હતું કે કંપની પ્લાનિંગ ગાઇડલાઇન અને સ્થાનિક નિયમોનું પાલન કરીને આ હેરિટેજ સાઇટ ખાતે સ્પોર્ટ્સ એન્ડ લીઝર ફેસિલિટીમાં વધારો કરશે.

64 વર્ષીય મુકેશ અંબાણી દ્વારા આઇકોનિક બ્રિટિશ કંપનીનું આ બીજું મોટું એક્વિઝિશન છે. અગાઉ 2019માં તેમણે બ્રિટનની આઇકોનિક ટોય સ્ટોર કંપની હેમલીઝ હસ્તગત કરી હતી.

સ્ટોક પાર્ક લાંબા સમયથી પાઇનવૂડ સ્ટુડિયોઝ અને બ્રિટિશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જેમ્સ બોન્ડ સિરિઝની બે મૂવી ગોલ્ડફિંગર (1964) અને ટુમોરો નેવર ડાઇ (1997)નું શુટિંગ સ્ટોક પાર્કમાં થયેલું છે. 1964ની બ્લોકબસ્ટરમાં જેમ્સ બોન્ડ અને ઓરિક ગોલ્ડફિંગર વચ્ચેની ગેમ પછી સ્ટોક પાર્કનો ગોલ્ફ કોર્સ પ્રખ્યાત બન્યો હતો.
સ્ટોક પાર્કમાં 49 લક્ઝરી બેડરૂમ એન્ડ સ્યુટ્સ, 27 હોલ ગોલ્ફ કોર્સ, 13 ટેનિશ કોર્ટ અને 14 એકરનો પ્રાઇવેટ ગાર્ડન છે. સત્તાવાર વેબસાઇટમાં જણાવ્યા અનુસાર સ્ટોક પાર્ક એસ્ટેટ આશરે 900 વર્ષનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. તેનો 1908 સુધી પ્રાઇવેટ રેસિડન્સ તરીકે ઉપયોગ થતો હતો.