પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સંજીવ ગુપ્તાના વ્યવસાયિક સામ્રાજ્ય પર £100 મિલિયનના સ્પેશીયાલીટી સ્ટીલ સોદા બાબતે ટાટાએ ગુપ્તા સામે દાવો કર્યો છે. ટાટાએ જીએફજીની તમામ સહયોગી લિબર્ટી સ્પેશિયાલિટી સ્ટીલ્સ, લિબર્ટી હાઉસ ગ્રુપ પીટીઇ અને સ્પેશિયાલિટી સ્ટીલ યુકે વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

આ ડીલના કારણે ગુપ્તા બ્રિટનના સૌથી મોટા સ્ટીલ  મેગ્નેટ પૈકીના એક બની ગયા હતા. સાથી સ્ટીલ કંપની ટાટા દ્વારા ગુપ્તાની જીએફજી એલાયન્સ કંપની સામે એક કોમર્શીયલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આ કેસ 2017માં ટાટાના રોધરહામ સ્થિત સ્પેશિયાલિટી સ્ટીલ વિભાગના ગુપ્તાને થયેલા વેચાણમાં કથિત રીતે ચૂકવણીમાં થયેલી ચૂક સાથે સંબંધિત છે.

શ્રી ગુપ્તા તેમના મુખ્ય નાણાકીય ભાગીદાર ગ્રીનિસિલ કેપિટલના ભંગાણથી તેમના વ્યવસાયને બચાવવા માટે લડત ચલાવે છે. તેમણે ટાટા પાસેથી £100 મિલિયનમાં સ્પેશીયાલીટી સ્ટીલ્સ ઓપરેશન ખરીદવાના સોદા પર સંમતિ આપી એક હજારથી વધુ નોકરીઓ બચાવી લીધી હતી.

રોધરહામના લેબર સાંસદ સારાહ ચેમ્પિયને કહ્યું હતું કે “જો આ સાચું છે, તો આને કારણે હજારો લોકોનું જીવન અસ્પષ્ટ સ્થિતિમાં આવશે.”

ટાટાએ તેની યુકેની ખોટની સમીક્ષા પછી એરોસ્પેસ, ઓટોમોટિવ, ઓઇલ અને ગેસ કંપનીઓને સામગ્રી પૂરી પાડતું ડિવિઝન વેચવાનું નક્કી કર્યું હતું.  લિબર્ટીએ તેને ઑક્ટોબર 2016માં ખરીદવાની સંમતિ આપી હતી અને ચાર મહિના પછી ટ્રાન્સફર પૂર્ણ કર્યું હતુ.

સંભવિત નુકસાન સામે રક્ષણ આપવા ગ્રીન્સિલના મોટા રોકાણકાર ક્રેડિટ સ્યુઇસે અનેક જીએફજી કંપનીઓ વિરુદ્ધ અદાલતમાં વાઇન્ડીંગ-અપ પિટિશન શરૂ કરી દીધી છે. તો ગુપ્તા નવો આર્થિક ટેકો મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.

ટાટાના પ્રવક્તાએ કહ્યું: “હવે આ એક સક્રિય કેસ છે તેથી અમે કોઈ ટિપ્પણી કરી શકતા નથી.” તો GFG એ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.