સરદાર સરોવર નર્મદા યોજના માં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ નહતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજના ની નહેરો મારફતે એક પાણ આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક વલણ અપનાવીને 1500ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપેલ છે. આકરા ઉનાળા માં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મુંગા અબોલ પશુઓ ને આ ઘાસચારો રાહત આપશે.