મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘આઝાદીના અમૃત્ત કાળમાં રાજ્ય સરકારે રાજ્યને અમૃત્તમય મીઠું પાણી પૂરૂં પાડવાનું લક્ષ્ય સેવ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારોથી સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે રાજ્યમાં પાણીની મુશ્કેલી ન રહે તે માટે ભૂગર્ભ જળભંડારોને સમૃદ્ધ બનાવી સુદ્રઢ જળવ્યવસ્થાપનની પ્રતિબદ્ધતા છે’,
આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાનના હસ્તે ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર યોજનાની ઈ-તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રેલવે ફાટક નં.૧૦૮-૧૦૯ ઉપર રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અનુદાનથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું.વાઘરેચ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આયોજિત વિશાળ જનસમારોહને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં શ્રેણીબદ્ધ ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ અને અન્ય બહુહેતુક યોજનાઓ, કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક, સૌની યોજના, ટાઈડલ પ્રોજેક્ટ્સ જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે એમ જણાવી જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની સંકલ્પના સાકાર કરીશું એવો મત વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વાઘરેચ રેગ્યુલેટર પ્રોજેક્ટથી બિલીમોરા નગરપાલિકા સહિત ગણદેવી તાલુકાના ૧૦ ગામોને થનારા માતબર લાભ અંગે હર્ષ વ્યક્ત કરતાં કહ્યું કે, કાવેરી નદીમાં ૧૩ કિ.મી અને ખરેરા નદીમાં ૫ કિ.મી. લંબાઈમાં ૧૦૦ મિલિયન ક્યુબિક ફીટ મીઠા પાણીનો સંગ્રહ થશે તેમજ જૂની ખરેરા નદી પુનર્જીવિત થશે. બિલીમોરા અને આસપાસના દસ ગામોની ૩૫૦૦ એકર જમીનને સિંચાઈનો ફાયદો થશે. દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે, જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ અને ખેતી લાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વાઘરેચ રેગ્યુલેટર પ્રોજેક્ટ જળસમૃદ્ધિની ગેરંટી આપતી યોજના બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, દક્ષિણ ગુજરાત જળસમૃદ્ધ નદીઓ ધરાવતો વિસ્તાર છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ ખારાશને કારણે ‘પાસે કૂવો છતાં તરસ્યા’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સમસ્યા સામે લડવા આ ટાઈડલ ડેમ આશીર્વાદરૂપ બનશે. મુખ્યમંત્રીશ્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડી છે, ત્યારે રાજ્યમાં પીવાના, ઘર વપરાશ અને સિંચાઈના પાણીની સમસ્યા કે મુશ્કેલી લોકોને ન રહે તે માટે જળ વ્યવસ્થાપનના ઉમદા પ્રયાસો સાથે રાજ્ય સરકાર સતત સજાગ છે તેની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ દરિયાની ખારાશ અટકાવવાના પ્રયાસોની સાથોસાથ વિષમય રાસાયણિક કૃષિના સ્થાને ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને હરિયાળી બનાવવા પ્રેરક આહવાન કર્યું હતું.