નવરાત્રી ઉત્સવના ભાગરુપે કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણનો દેવી મંદિરમાં રોશની કરવામાં આવી હતી. (PTI Photo)

મા જગદંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો ગુરુવાર, 7 ઓક્ટોબરથી પ્રારંભ થયો છે. બે વર્ષ પછી નવરાત્રીની ઉજવણીની છૂટ મળી હોવાથી સમગ્ર રાજ્યમાં નવરાત્રી ઉજવણીનો અનેરો ઉમંગ અને ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. રાજ્યના તમામ શહેરો અને ગામડામાં નવરાત્રીની તૈયારી કરવામાં આવી છે. રાજ્યના મંદિરોમાં રોશની કરવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ બહુચરાજી, ચોટીલા, અંબાજી, આશાપુરા ધામ સહિત માતાજીનાં સ્થાનકોમાં સવારથી માઇ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. આ વર્ષે સરકારે કોરોનાના નિયમોના પાલન સાથે શેરી ગરબાને મંજૂરી આપી છે, પરંતુ પાર્ટી પ્લોટમાં ગરબા થશે નહીં.

છેલ્લા બે-ત્રણ દિવસથી બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ પાવન તહેવારે અનેક લોકો નકોરડા ઉપવાસ કરીને શકિતની આરાધના કરશે. આ વખતે ત્રીજુ અને ચોથુ નોરતું સાથે છે એટલે એક નોરતાની ઘટ છે.
ગુજરાતના શહેરો અને ગામડાઓમાં નવલા નોરતાની મા શક્તિની આરાધનાના પર્વની માઇભક્તો દ્વારા પૂજા-અર્ચના કરી પ્રારંભ કરવામાં આવશે. જોકે, સરકારની કોરોના ગાઇડ લાઇનને કારણે દાંડીયા કે ગરબા-રાસની રમઝટ ઝાંખી લાગશે.

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે નવરાત્રીની ઉજવણી થઇ શકી નથી ત્યારે ચાલુ સાલે સરકારની ગાઇડલાઇન મુજબ ૪૦૦ વ્યક્તિઓ રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી ગરબા આયોજકો આરતી-પૂજા ગરબા વગેરે કરી શકશે પરંતુ તેમાં વેક્સિનના બંને ડોઝ લીધેલ લોકો જ ભાગ લઇ શકશે.

નવરાત્રી દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસ, ચણીયાચોળી તેમજ વિવિધ વેશભુષા વગેરેના વેપારીઓને આ વર્ષે પણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા દિવસોમાં નવરાત્રિ સંબંધિત ઝાકમઝોળની ચીજવસ્તુઓની સામાન્ય ઘરાકી રહી હતી. આજથી પ્રારંભ થતા નવરાત્રીમાં એક દિવસ પૂર્વે લોકો પુજાપા- ચુંદડી, હાર વગેરે ખરીદી કરી હતી.
નવરાત્રીના પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીમાં શાસ્ત્રોક્તવિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું.. ગત વર્ષ કોરોના મહામારીને કારણે ભાવિકોની હાજરી વગર ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું, જોકે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર ખાતે ઉપસ્થિત હતા અને માતાજીના ઘટ સ્થાપનની વિધિમાં હાજરી આપી હતી.