(PIB/PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2021ના રોજ જાહેર જીવનમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદીએ ઋષિકેશમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે “મે ક્યારેય કલ્પના કરી ન હતી કે હું મુખ્યપ્રધાનના હોદ્દામાંથી વડાપ્રધાનના હોદ્દા પર પહોંચીશ. લોકોના આશીર્વાદથી દેશના વડાપ્રધાનના પદે પહોંચ્યો હતો અને તેની મેં કલ્પના પણ નહોતી કરી. આજે આ યાત્રા 21મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે.”

મોદી સાત ઓક્ટોબરે ઋષિકેશની મુલાકાતે ગયા હતા અને જણાવ્યું હતું કે નવરાત્રીનું પાવન પર્વ આજથી શરૂ થાય છે. આજના દિવસે હિમાચલની ધરતીને પ્રણામ કરવા મળ્યા છે તે સૌભાગ્યની વાત છે. ઉત્તરાખંડની દિવ્ય ધરતીએ મારા જેવા ઘણા લોકોની જીવનધારા બદલવામાં ભૂમિકા અદા કરી છે. આ ધરતી સાથે મારો કર્મનો, સત્વનો અને તત્વનો નાતો છે. આજથી 20 વર્ષ પહેલા મને જનતાની સેવા કરવાની નવી જવાબદારી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે મળી હતી.

આ 20 વર્ષોમાં તેઓ 12 વર્ષ કરતા વધારે સમય ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા છે અને હાલમા 7 વર્ષ કરતા પણ વધારે સમયથી દેશના વડાપ્રધાન છે. નરેન્દ્ર દામોદર દાસ મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારથી લઈને વડાપ્રધાન બન્યા બાદ આજ સુધી સતત તેઓ બંધારણીય પદે કાર્યરત છે.

મોદી પોતાની ક્ષમતા અને કરિશ્માના આધારે સતત 2 વખત સંપૂર્ણ બહુમતી સાથે લોકસભાની ચૂંટણી જીત્યા અને જનતાનો અપાર પ્રેમ મેળવ્યો છે. તેઓ એક ખૂબ જ પ્રભાવશાળી વક્તા છે અને લોકોનું ધ્યાન ખેંચવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાતમાં ભૂજના ભૂકંપને કારણે ભાજપની છાપ ખરડાયેલી હતી ત્યારે 7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભુજના ભૂકંપ પ્રભાવોનો સામનો કરી રહ્યા હતા ત્યાં જ ફેબ્રુઆરી 2002માં ગોધરા ટ્રેન કાંડ થયો થયો હતો.

ગુજરાત હિંસાની આકરી ટીકાઓ, ન્યાયિક પ્રક્રિયાઓમાંથી બહાર નીકળીને મોદીએ પોતાના માટે કુશળ શાસકની છબી બનાવી હતી. રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે વાઈબ્રેન્ટ ગુજરાત સમિટનું આયોજન કરાવ્યું અને રાજ્યમાં રોકાણ વધારવામાં સફળ રહ્યા હતા. ગુજરાત મોડલની એટલી ચર્ચા થઈ કે, 2014ની સામાન્ય ચૂંટણીઓ માટે મોદી વડાપ્રધાનનો ચહેરો બનીને ઉભર્યા હતા.

2013માં ભાજપે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. મે 2014માં મોદીએ ગુજરાતથી દિલ્હીની સનસનાટીભરી રાજકીય યાત્રા કરી હતી. તેમના નેતૃત્વમાં યોજાયેલી તે ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમત હાંસલ કર્યો હતો. એવું કહેવાય છે કે, તે ચૂંટણીમાં ભાજપનું ચૂંટણી ચિહ્ન ભલે કમળ રહ્યું હોય પરંતુ ચહેરો તો એકમાત્ર નરેન્દ્ર મોદી જ હતા.

વડાપ્રધાન બન્યા મોદીના જનધનયોજના, નોટબંધી, જીએસટીનો અમલ, સ્વચ્છતા અભિયાન, ઉજ્વલા યોજના, મફત શૌચાલય યોજનાથી જેવા મોટા પગલાં લીધા હતા. 2016માં પાકિસ્તાનમાં આતંકવાદીઓને મારવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરી અને તેમના અનેક ઠેકાણા ધ્વસ્ત કરી દીધા. સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદી-શાહની ટીમે કલમ 370 નાબૂદી, રામ મંદિર નિર્માણ, ત્રિપલ તલાક, સીએએ જેવા સંવેદનશીલ મુદ્દાઓને હાથમાં લઈને પોતાના પ્રતિબદ્ધતાનો પરિચય આપ્યો હતો.