Param Pujya Swami Chidananda Saraswati (Muniji)

– પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)

પ્રાચીન સમયમાં એક મહાન રાજા થઇ ગયો. તેમની પાસે દરેક કામ માટે ઘણા નોકર-ચાકર હતા. એક નોકરને કુવામાંથી પાણી ભરીને લાવીને રાજાના ટેબલ પર મુકવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જે કુવામાંથી તાજું, ચોખ્ખું અને શુદ્ધ પાણી લાવવામાં આવતું હતું તે કુવો મહેલથી ખૂબ જ દૂર હતો. તે સમયે પાણી લાવવા માટે તેની પાસે યોગ્ય સાધનો ઉપલબ્ધ નહીં હોવાથી તે બે ઘડાને એક લાંબી લાકડીના બંન્ને છેડા પર બાંધીને લાવતો હતો.

આ બંને ઘડામાંથી એક નવો જ હતો, તે તડકામાં ચમકતો હતો અને બધી રીતે યોગ્ય હતો. જ્યારે બીજો ઘડો ઘણો જુનો હતો અને તેમાં એક બાજુ નાનું કાણું હોવાથી કિલ્લે પહોંચતા સુધીમાં તેમાંથી થોડું પાણી નીકળી જતું હતું. તે જ્યારે મહેલમાં પરત આવતો ત્યારે તે ઘડામાંથી અડધું પાણી નીકળી ગયેલું રહેતું હતું, આમ તે રાજા પાસે પહોંચે ત્યારે તેની પાસે એક આખો અને એક અડધો ઘડો પાણી જ રહેતું હતું.

આના કારણે કાણાવાળા ઘડાને ખૂબ જ તકલીફ પડતી હતી. દિવસમાં બે વાર જ્યારે નોકર કુવા પર જવા માટે ઘડો ઉપાડતો, ત્યારે તે જૂનો ઘડો નવા ઘડા તરફ જોઈને વિલાપ કરતો કે, ‘હું બીજા ઘડા જેવો ચમકદાર અને સારો કેમ ન બની શકું?’

આમ, આ કાણાવાળો ઘડો નવા ઘડા તરફ ઇર્ષાભાવથી જોવે છે કે, નવા ઘડામાંથી એક ટીંપુ પણ પડતું નથી. જૂના ઘડાએ પાણી ઓછું નીકળે તે માટે તેનું વજન ફેરવવા સહિતના અનેક શક્ય પ્રયાસો કર્યા. આટલું ધ્યાન રાખ્યું હોવા છતાં કોઈ ફાયદો થયો નહીં. મહેલ પહોંચતા સુધીમાં તો ઘડામાંથી અડધું પાણી ખાલી થઇ જતું હતું.

અંતે એક દિવસ, એ ટપકતો ઘડો પરેશાન થઈ ગયો અને તેણે નોકરને બૂમ પાડીને કહ્યું કે, ‘તું મને કેમ ફેંકી દેતો નથી? હું તારા માટે કોઈ કામનો નથી. હું તારા માટે નવા ઘડા કરતા માંડ અડધું પાણી જ સાચવી શકું છું. તારે કુવા પર જવા-આવવા માટે આટલું લાંબુ ચાલવું પડશે, અને તું જે પાણી ભરે છે તેમાંથી અડધું પાણી હું બહાર કાઢી નાખું છું. રાજા સારો, ઉદાર, પવિત્ર રાજા છે. હું તેની અને તમારા નવા ઘડાની સેવા કરવા ઇચ્છું છું. પણ હું કરી શકતો નથી, હું તેમને પાણીનો આખો ઘડો પણ આપી શકતો નથી.’

નોકર પણ ખૂબ જ સમજદાર હતો. તેણે ઘડાને કહ્યું, ‘નીચે જો. કિલ્લાના માર્ગ પર તારી નીચે જો, જે માર્ગ પર તારું પાણી ટપકે છે.’ જમીન પર પથરાયેલા પાણીના કિંમતી ટીપા જોઈને પહેલા તો ઘડો ખૂબ જ શરમાયો. જ્યારે તેણે અંતમાં જોયું, તો તેને સુંદર ફૂલોની એક પહોળી કતાર જોવી મળી, તેમાં રસાળ અને ખીલેલા વિવિધ ફૂલ હતા. તેની સુંદરતા આખા માર્ગ પર જોવા મળી હતી.

નોકરે તેને વળતા જવાબમાં જણાવ્યું કે, હું દરરોજ હું રાજાના ટેબલ અને તેના રૂમની સજાવટ માટે આ ફૂલોને લઇ જાવ છું. મેં જ્યારે જોયું કે તારું પાણી ટપકી રહ્યું છે, ત્યારે મેં આ રસ્તાની બાજુમાં માર્ગમાં બીજ રોપ્યા હતા. પછી, તું દિવસમાં બે વાર આવતો અને તેને પાણી આપતો હતો. હવે, તે મોટા થયા છે અને રાજાની મનપસંદ ફુલદાનીમાં ખીલેલા જોવા મળે છે. રાજા કહે છે કે, આ ફુલોની સુગંધ તેમના મનને શાંત કરે છે અને તેમના હૃદયમાં શાંતિનો અનુભવ કરાવે છે. એટલે જ, તું જરા પણ બિનઉપયોગી નથી. આમ, તું બિનઉપયોગી થવાના બદલે, બે પ્રકારે કામ આવે છે. એક તો, પાણી લાવવા માટે અને રાજાના મહેલમાં સુંદર ફૂલો લાવવા માટે.’

આમ, જીવનમાં ઘણીવાર આપણે આપણી નિષ્ફળતાઓ માટે આપણે પોતાને જ દોષિત ઠેરવીએ છીએ. આપણે આપણી જાતની અન્ય લોકો સાથે અયોગ્ય રીતે સરખામણી કરીએ છીએ, આપણે આપણી પોતાની ખામીઓ માટે દુઃખી થઈએ છીએ, અને એવું ઈચ્છીએ છીએ કે આપણે બીજા કોઈથી જુદા અથવા કોઈ બીજા કોઇ જેવા આદર્શ હોઈએ. અને જ્યારે આપણે તેવું કરીએ છીએ, ત્યારે આપણે આપણી જે ખરેખર સંપત્તિ છે, જે ફૂલોને આપણે દરરોજ પાણી પીવડાવીએ છીએ, રાજાને આપણે જે સાચી ભેટ-સોગાદો આપી શકીએ છીએ તેના પ્રત્યે આપણી જાતને અંધ કરીએ છીએ.

ઇશ્વરે દરેક વ્યક્તિને એક અનોખી અને વિશિષ્ટ પ્રકારની ભેટ આપી છે અને તેમાંથી વધુમાં વધુ લાભ લેવાનું આપણા પર નિર્ભર છે. આપણામાંથી કેટલાક લોકો એક ટીપું પણ પાડ્યા વગર પાણી લઇ જશે. વિશ્વ માટે આપણી ભેટ પાણીનો સંપૂર્ણ ઘડો જ હશે. આપણામાંથી અન્ય લોકો માત્ર અડધો ઘડો જ પાણી આપી શકશે, પરંતુ આપણે સુંદર અને સુંગધિત ફૂલોથી વિશ્વના માર્ગોને સજાવીશું.

આથી હવે, આપણે ક્યારેય આપણી ક્ષમતા અથવા આપણી પોતાની મહત્તાને ઓછી આંકવી નહીં. આપણામાંથી કોઈને પણ ક્યારેય ‘ટપકતા ઘડા’ જેવો અનુભવ થવો જોઇએ નહીં.’

LEAVE A REPLY

nineteen − 15 =