ભારતમાં કોરોનાવાઇરસના કેસોના વિસ્ફોટ અને નવા જોખમી ભારતીય ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ (B.1.617)ને પગલે બ્રિટને શુક્રવાર તા. 23ના રોજ સવારના 4 વાગ્યાથી ભારત પર ટ્રાવેલના સૌથી આકરા નિયંત્રણો મૂકી ભારતને રેડ લીસ્ટમાં મૂક્યું છે. આમ યુકે, આયર્લેન્ડ અને યુકે રેસિડેન્ટ સિવાયના લોકો યુકે આવી શકશે નહિ. જે લોકો ભારતથી યુકે આવશે તેમને પોતાના ખર્ચે 10 દિવસ માટે હોટેલમાં ક્વોરેન્ટાઇન થવું પડશે. બીજી તરફ ભારતની સ્થિતિને જોતાં વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતની નિર્ધારીત મુલાકાત રદ કરી છે. દેશના વૈજ્ઞાનિકોએ ભારતીય વેરિયન્ટની સારવાર અને રસી પ્રત્યે વધુ ટ્રાન્સમિસિબિલિટી અથવા પ્રતિકાર કરવાની સંબંધિત લાક્ષણિકતાઓ કે શક્તિ આ નવા વેરિયન્ટમાં છે કે કેમ તેની તપાસ માટે વેરિયન્ટનું વિશ્લેષણ કર્યું છે અને તેના પર વિસ્તૃત સંશોધન કરી રહ્યા છે. યુકેમાં ભારતીય વેરિયન્ટના કુલ 103 કેસ નોંધાતા વૈજ્ઞાનિકો, એકેડેમિક્સ અને યુકેના મીડિયામાં ચિંતાઓ ફેલાઇ છે.